ભાષા વિવાદ વકરશે?: ભાજપના સાંસદે આપ્યું હવે મોટું નિવેદન, હિંમત હોય તો…

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાનો વિવાદ ફરી ગરમાયો છે. મરાઠી નહીં બોલનારા એક પરપ્રાંતીય દુકાનદાર પર મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરોએ હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ ભાષા વિવાદ ફરી વકર્યો છે. ઉલ્લેખનીય છે કે ઠાકરે ભાઈએ એક સાથે સ્ટેજ પર આવ્યા મરાઠી અસ્મિતા રેલીનું આયોજન હતું, ત્યાર બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ નિશિકાંત દુબેએ પણ આ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ લખી છે “મુંબઈમાં હિન્દી બોલનારાઓને મારનારા હિંમત હોય તો ઉર્દૂ બોલનારાઓને મારો. કૂતરા પણ પોતાના ઘરમાં સિંહ હોય છે.” આ નિવેદનમાં તેમણે હિન્દી-મરાઠી વિવાદને ‘કૂતરા અને સિંહ’ સાથે સરખાવ્યો, જેનાથી વિવાદ વધુ ભડકવાની શક્યતા છે. દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ આ હિંસાની સરખામણી પહેલગામના આતંકી હુમલા સાથે કરી, જણાવ્યું છે કે “પહલગામમાં ધર્મના નામે અને અહીં ભાષાના નામે હિંસા થાય છે.”
આ પણ વાંચો: ભાષા વિવાદનો રેલો પહોંચ્યો ગુજરાતઃ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ગુજરાત-મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
દુબેએ બીજી એક પોસ્ટમાં મહારાષ્ટ્રની ભાષા રાજનીતિને કાશ્મીરી હિન્દુઓના અત્યાચાર સાથે સરખાવી. તેમણે શિવસેના (ઉદ્ધવ) ઠાકરે, એમએનએસ અને એનસીપીની તુલના આતંકવાદીઓ સાથે કરી, જણાવ્યું કે “કાશ્મીરમાં હિન્દુઓને ધર્મના કારણે અને મુંબઈમાં હિન્દીના કારણે અત્યાચાર થાય છે.” આ નિવેદનોએ રાજ્યના રાજકીય વાતાવરણને વધુ ગરમાયું છે.
આ પણ વાંચો: ભાષા વિવાદ: રાજ-ઉદ્ધવે મુંબઈમાં પાંચમી જુલાઈએ ‘વિજય’ રેલીનું સંયુક્ત આમંત્રણ આપ્યું
આ વિવાદનું મૂળ કારણ ફડણવીસ સરકારની થર્ડ લેંગ્વેજ પોલિસી છે. આ નિર્ણયને વિરોધ પક્ષ શિવસેના (યુબીટી) અને મનસે (એમએનએસ) મરાઠીઓ પર હિન્દી લાદવાનો પ્રયાસ ગણાવ્યો હતો, જ્યારે વિરોધ બાદ સરકારે પોલિસી પાછી ખેંચી હતી. આ વિવાદ બાદ રાજ અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. જેને આ વિવાદનો અંત ગણવામાં આવતો હતો, પરંતુ ફરી એક વખત હિન્દી ભાષી પર હુમલો થયા બાદ ભાષા વિવાદ વકર્યો છે.