ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં રચ્યો ઇતિહાસ
મહિલા `શક્તિ’નો વિજય:
હોંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આખી મહિલા ટીમે ભારતીય તિરંગા અને ગોલ્ડ મેડલ સાથે સસ્મિત તસવીર પડાવી હતી. (પીટીઆઈ)
હોંગઝોઉ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હોંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. આ મેચમાં 117 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ કરી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, તેથી તેણે પ્રથમ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
લક્ષ્યનો પીછો કરતી વખતે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર તિતાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા બાદ હસિની પરેરાએ કેટલાક આક્રમક શોટ લગાવીને શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની તોફાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.
પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશાદી રણસિંઘે 28 રનની ભાગીદારી કરીને ઇનિંગને આગળ વધારી હતી. પરંતુ પૂજા વસ્ત્રાકરે ડી સિલ્વાને બોલ્ડ કરી હતી. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કરી ભારતનું કામ સરળ કર્યું હતું. ભારત તરફથી તિતાસ સાધુએ છ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી. હાર છતાં શ્રીલંકાની ટીમ સિલ્વર જીતવામાં સફળ રહી હતી. બંગલાદેશે પાકિસ્તાનને હરાવીને આ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ફટકો ચોથી ઓવરમાં જ લાગ્યો હતો. શેફાલી વર્મા (9) સ્પિન બોલર સુગંધિકા કુમારીની ઓવરમાં આઉટ થઇ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સે સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. જેમિમા અને સ્મૃતિ વચ્ચે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી.
ઇનોકા રણવીરાએ મંધાનાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. શ્રીલંકાના બોલરોએ સતત વિકેટો લીધી જેના કારણે ભારત સાત વિકેટે 116 રન જ કરી શક્યું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 46 અને જેમિમા રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સ્પિન બોલર ઈનોકા રણવીરા અને સુગંધિકા કુમારીએ બે-બે વિકેટ લીધી હતી. ઉદેશિકા પ્રોબોધનીએ પણ બે સફળતા હાંસલ કરી હતી.