
દિવાળીનો તહેવાર આનંદ અને ઉજવણીનો પર્વ છે, પરંતુ આ વખતે ફટાકડા અને અન્ય કારણોથી આગના અનેક કિસ્સા સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં આવી ઘટનાઓ વધી છે, જેમાં મોટા ભાગના બનાવો ફટાકડાના તણખલા કે વિસ્ફોટને કારણે થયા છે. સદનસીબે, ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે મોટા ભાગના કિસ્સાઓમાં જાનહાનિ ટળી છે, પરંતુ આવા બનાવો સુરક્ષાના મહત્વને યાદ અપાવે છે.
ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, ભરૂચ અને જામનગર જેવા શહેરોમાં આગની અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. રાજકોટમાં જૂના એરપોર્ટ વિસ્તારમાં ફટાકડાના તણખલાથી એરપોર્ટ નજીક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જોકે તાત્કાલિકના ધોરણે આગને કાબૂમાં લેવામાં આવી, જ્યારે અમદાવાદના ઝુંડાલ અને ન્યૂ રાણીપમાં પણ ફટાકડાના કારણે આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમોએ તરત જ કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી.
અમદાવાદના રાયખડ અને બાવળા વિસ્તારમાં પણ આગના કિસ્સા જોવા મળ્યા, જ્યાં રોડ પર તણખલા પડવાથી અફરાતફરી મચી ગઈ હતી અને લારીઓમાં આગ લાગી હતી. મહેસાણાના જેપુર ગામમાં ફ્રીઝમાં વિસ્ફોટ થતાં પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી, જ્યારે ભરૂચમાં મસ્જિદના ધાબા પર મુકેલા સામાનમાં આગ લાગી હતી. જામનગરમાં પણ ફટાકડાના કારણે બંધ મકાન અને ડમ્પિંગ સાઈટ પર આગ ભભૂકી ઉઠી હતી.
ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ફટાકડા બજારમાં મોટી આગ લાગી, જેમાં 70 દુકાનો અને 3 કરોડ રૂપિયાના માલનું નુકસાન થયું હતું. આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હીમાં પણ દિવાળી દરમિયાન 170થી વધુ આગના કિસ્સા નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દિવાળીના દિવસે ઈમર્જન્સી સર્વિસને 2804 કોલ મળ્યા હતા, જેમાં રોડ અકસ્માતોમાં વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં એક આગની ઘટનામાં 15 વર્ષના કિશોરનું મોત થયું અને ત્રણને ઈજા પહોંચી છે. આ વર્ષે દેશભરમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી છે, પરંતુ મૃત્યુના કિસ્સા ઓછા જોવા મળ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થાને કારણે શક્ય બન્યું છે.
આ પણ વાંચો…સામખિયાળીમાં ખાનગી ડબલડેકર બસમાં ભયાનક આગ, સદ્નસીબે જાનહાનિ નહીં