‘ઇલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કોભાંડ…’ નિર્મલા સીતારમણના પતિએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ(Electoral bond) યોજનાને ગેરકાયદેસર ઠેરવી રદ કર્યા બાદ દેશમાં રાજકારણ ગરમ થઇ ગયું છે. વિપક્ષી પક્ષો સતત ભાજપ(BJP) અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જયારે ભાજપ અને તેના સાથી પક્ષો વિવિધ કારણો આપી પોતાનો બચાવ કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના પતિ જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ઇલેક્ટોરલ બોન્ડને દુનિયાનો સૌથી મોટો સ્કેમ ગણાવ્યો છે, તેમણે કહ્યું કે આ મુદ્દો ભાજપને ભારે પડશે.
પરકલા પ્રભાકરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, “ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આજે જે છે તેના કરતા ભવિષ્યમાં વધુ વેગ પકડશે. હવે દરેક વ્યક્તિ સમજી રહ્યો છે કે આ માત્ર ભારતનું જ સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આ મુદ્દાને કારણે, આ સરકારને મતદારો સખત સજા કરશે.”
ભારતીય ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા મુજબ ભાજપ ઇલેક્ટોરલ બોન્ડનો મુખ્ય લાભાર્થી પક્ષ રહ્યો છે. ભાજપે 12 એપ્રિલ, 2019 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા ₹6,986.5 કરોડનું ભંડોળ મેળવ્યું હતું, ત્યારબાદ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (₹1,397 કરોડ), કોંગ્રેસ (₹1,334 કરોડ), અને ભારત રાષ્ટ્ર સમિતિ(₹1,322 કરોડ)ને સૌથી વધુ ભંડોળ મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટે, ફેબ્રુઆરીમાં ચુકાદો આપી ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરી દીધી હતી. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ઇલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા ઈલેક્શન કમીશનને સુપરત કરવા આદેશ આપ્યો હતો. ઈલેક્શન કમીશને તમામ ડેટા વેબ સાઈટ પર જાહેર કર્યો છે. જેના બાદ ભાજપ પર અનેક સવાલો ઉઠ્યા હતા.
અહેવાલો મુજબ, CBI, ED અને આવકવેરા વિભાગ દ્વારા તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને ₹2,471 કરોડ આપ્યા હતા. આ એજન્સીઓના કંપનીઓ પર દરોડા પછી ₹1,698 કરોડનું દાન કરવામાં આવ્યું હતું.