ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો; દસ લાખ યુવાનોને નોકરી અને MSP કાયદો લાવવાનું વચન

કોંગ્રેસે આજે મંગળવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો અને યુવાનો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસે 4 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય 10 લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે. મેનીફેસ્ટોમાં સ્વામીનાથન કમિટીની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય મોંઘવારી અને મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળતું હતું તે હવે 400 રૂપિયામાં આપવામાં આવશે.

જો કે આ મેનિફેસ્ટો પહેલા જ કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 7 ગેરંટી જાહેર કરી ચુકી છે. જેમાં મહિલાઓને વાર્ષિક રૂ. 10,000ની આર્થિક સહાય, તમામને રૂ. 500માં ગેસ સિલિન્ડર, સરકારી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર યુવાનોને મફત ટેબ અથવા લેપટોપ, રૂ. 25 લાખનો આપત્તિ રાહત વીમો અને ખેડૂતો પાસેથી ગાયના છાણની ખરીદીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ:

1. સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવામાં આવશે.

2. ચિરંજીવી વીમાની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવશે.

3. 4 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. 10 લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે.

4. પંચાયત કક્ષાએ નવું સરકારી જોબ કાર્ડ બનાવવામાં આવશે.

5. અત્યારે ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળે છે, તે ઘટીને 400 રૂપિયા થશે.

6. રાજ્યમાં RTE કાયદો લાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 12મા સુધીનું શિક્ષણ મફત કરવામાં આવશે.

7. મનરેગા અને ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર 125 થી વધારીને 150 દિવસ કરવામાં આવશે.

8. નાના વેપારીઓ અને દુકાનદારોને રૂ. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવા માટે મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે.

9. સરકારી કર્મચારીઓને ચોથા પગાર ધોરણની શ્રેણી 9,18,27 અને અધિકારીઓને સર્વોચ્ચ સ્કેલ આપવામાં આવશે.

10. 100 સુધીની વસ્તી ધરાવતા ગામો અને વસાહતોને રસ્તા દ્વારા જોડવામાં આવશે.

11. દરેક ગામ અને શહેરી વોર્ડમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે.

12. આવાસનો અધિકાર કાયદો લાવીને દરેકને આવાસ આપવામાં આવશે.

13. જાતિ આધારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.

14. પહેલાથી ચાલી રહેલી યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે.

છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઘોષણાપત્રને કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને સત્તામાં આવતાં જ તેને નીતિ-નિર્માણ પત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે તેણે મેનિફેસ્ટોમાં આપેલા 90 ટકાથી વધુ વચનો પૂરા કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button