દરદીને બધી જ દવા પાલિકાની હૉસ્પિટલમાંથી પૂરી પાડવાની હિલચાલવિધાનસભાની ચૂંટણી પહેલાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાના અમલની તૈયારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં આવતા દર્દીઓને હૉસ્પિટલમાંથી જ દવા મળી રહે અને બહારથી મોંઘી દવા ખરીદવી ના પડે તે માટે ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં મૂકવાની લાંબા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે આ યોજના પાટે ચઢવાની છે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ મુંબઈમાં જુદી જુદી યોજનાઓને અમલમાં મૂકવા માટે સરકાર ઉતાવળી થઈ ગઈ છે. સુધરાઈની હૉસ્પિટલમાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના લાંબા સમય અગાઉ જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોઈને કોઈ કારણથી તે અટવાઈ પડી હતી. હવે જોકે ઑક્ટોબરમાં વિધાનસભાની મુદત પૂરી થવાની છે અને ગમે ત્યારે ચૂૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. તેથી તે પહેલા સત્તાધારી પક્ષ મુંબઈ મહાનગરપાલિકામાં બાકી રહેલા પ્રોેજેક્ટના કામ ઝડપથી અમલમાં મૂકવા માગે છે. તેથી ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના માટે છેક હવે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પાર પાડીને ચૂંંટણી જાહેર થાય તે પહેલા હૉસ્પિટલમાં લાગુ કરી દેવાના સરકાર પ્રયાસ કરી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં આવતા દર્દીઓને દવા બહાર આવેલા મેડિકલ સ્ટોરમાંથી ખરીદી કરવી ના પડે તે માટે ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ પૉલિસી અમલમાં મૂકવા માટે પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે અને તે ઝડપથી થાય તે માટે ૧૬ ઑગસ્ટે પાલિકા મુખ્યાલયમાં પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે એક બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે દવાની ખરીદી સંબંધિત ટેન્ડર પ્રક્રિયાની તપાસ ઝડપથી કરવા અને તે માટે વધારાના મનુષ્યબળનો ઉપયોગ કરવાનો નિર્દેશ અધિકારીને આપ્યો હતો. તમામ કામ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પૂરા કરીને દવાની ખરીદી જલદી કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો.
‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાને કારણે પાલિકાની હૉસ્પિટલમાં દર્દીઓને મફતમાં દવા ઉપલબ્ધ થશે. તે માટે પાલિકાના સેન્ટ્રલ પર્ચેસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલી રહેલી ટેન્ડર પ્રક્રિયામાં જુદી જુદી દવાઓની અને મેડિકલ બાબતોની તપાસ કરવામાં આવી રહી હોવાનું એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાની મોટી ચાર હૉસ્પિટલમાં એમઆઈઆર મશીન બેસાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા હવે મહત્ત્વના તબક્કામાં અને ઓનલાઈન પદ્ધતિએ ચાલી રહી હોવાનું એડિશનલ કમિશનરે જણાવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયાને સારો પ્રતિસાદ મળે અને મશીન વહેલી તકે હૉસ્પિટલને મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.