આમચી મુંબઈમહારાષ્ટ્ર

Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

મુંબઈઃ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુંડાઓની ધરપકડથી લઈને હત્યામાં વપરાયેલા હથિયારના પાકિસ્તાની કનેક્શન સુધીની તપાસમાં વ્યસ્ત છે. આ દરમિયાન બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકી અને બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળવાને કારણે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

આજે સલમાન ખાન અને ઝિશાન સિદ્દીકીને ધમકી આપવાના બે કેસ સામે આવ્યા છે. એક મામલો બાંદ્રા ઈસ્ટમાં ઝિશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયના ફોન પર મળેલી ધમકીનો છે. જ્યારે, બીજો મામલો મુંબઈ કંટ્રોલ રૂમના નંબર પર મળેલી ધમકીનો છે, મુંબઈ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. જાણીએ આ મામલાને લગતા અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા

  • મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ૨૫ ઓક્ટોબરે ઝિશાન સિદ્દીકી અને અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ ફોન પર ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. આ મામલે ઝિશાન સિદ્દીકીની ઓફિસના કર્મચારીએ કરેલી ફરિયાદના આધારે નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે નોઈડાના સેક્ટર ૩૯માંથી આરોપી ગુરફાન (૨૦)ની ધરપકડ કરી હતી.
  • બીજા કેસમાં આરોપી મોહમ્મદ તૈયબે મુંબઈ કંટ્રોલ રૂમના નંબર પર મેસેજ કર્યો હતો કે અમે સલમાન ખાનને છોડીશું નહીં. આ છેલ્લી ચેતવણી છે. પોલીસે કહ્યું કે ધમકી આપનાર યુવકે સીધી રીતે પૈસાની માંગણી કરી નહોતી, પરંતુ તેનો હેતુ આ બહાને કેટલાક પૈસા મેળવવાનો હતો.
  • આ પહેલા મુંબઈ પોલીસે જમશેદપુરના શેખ હુસૈન શેખ મૌસીન નામના શાકભાજી વેચનારની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો.મુંબઈ પોલીસને મળેલા ધમકીભર્યા મેસેજમાં અભિનેતા સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાદમાં આ મોબાઈલ નંબર પરથી માફીનો મેસેજ પણ આવ્યો હતો.
  • સલમાન ખાનને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ વર્ષે એપ્રિલમાં બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ મુંબઈ પોલીસે અભિનેતાની સુરક્ષા વધારી દીધી હતી. પોલીસ આ મામલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુંડાઓની ધરપકડ કરી રહી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હત્યામાં વપરાયેલી પિસ્તોલ પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button