બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા
એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ હજી ચાલી રહી છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તેમના પુત્ર ઝીશાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કેસમાં પણ શંકાની સોય લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર જ તાકવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે હજી એક દિવસ પહેલા જ એનસીપીએ બાંદ્રા ઈસ્ટથી વિધાનસભા ચૂંટણીમાં ઝીશાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
પોલીસ આ મામલે બારિકાઇથી તપાસ કરી રહી છે. પોલીસે ઝીશાનને આવેલા ધમકીભર્યા કોલના સંબંધમાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક યુવકની ધરપકડ કરી છે. અહેવાલ છે કે ધમકી આપનારા લોકોએ બાંદ્રા પૂર્વમાં ઝીશાનની ઓફિસમાં ફોન કર્યો હતો. 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીને પણ ઝીશાનની ઓફિસની બહાર હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. વિજયાદશમીના અવસર પર બાંદ્રામાં બાબા સિદ્દીકીની ઓફિસની બહાર લોકો ફટાકડા ફોડી રહ્યા હતા.
ત્યારબાદ રાત્રે 9:15 થી 9:20 વાગ્યાની વચ્ચે બાબા સિદ્દીકી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવ્યા. ફટાકડાના અવાજ વચ્ચે બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા બાબા સિદ્દીકીનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. એ સમયથી જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઝીશાન પણ શૂટરોના નિશાના પર છે. જોકે પોલીસે આ અંગે સત્તાવાર રીતે હજી સુધી કંઈ કહ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝીશાન સિવાય બોલિવૂડ એક્ટર સલમાન ખાનને પણ કોલ પર ધમકી આપવામાં આવી છે. આ કોલ શુક્રવારે આવ્યા હતા અને પૈસાની માંગ કરવામાં આવી હતી. આ ધમકી બાદ ઝીશાન સિદ્દીકીની ઓફિસે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ધમકીભર્યા કોલને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Also Read – અભિનવ અરોરાને Lawrence Bishnoi ગેંગે આપી મારી નાખવાની ધમકી: અભિનવની માતાનો દાવો
પોલીસે આ સંદર્ભે કેસ નોંધ્યો છે. એવા અહેવાલો છે કે પોલીસે નોઈડામાંથી મોહમ્મદ તૈયબ નામના 20 વર્ષના યુવકની ધરપકડ કરી છે. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાની તૈયારી ચાલી રહી છે.