Youths Duped in Agniveer Scam, Two Arrested
આમચી મુંબઈમહારાષ્ટ્ર

અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ ને બહાને યુવાનો સાથે ઠગાઇ: બે જણ પકડાયા…

પાલઘર: પાલઘર જિલ્લામાં અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદને બહાને ઉમેદવારો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે સાતારા જિલ્લાના બે રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અણ્ણાસાહેબ ધનાજી કાકાડે (30) અને ગણેશ કાળે (27) તરીકે થઇ હતી.

વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ ગાયકવાડે કહ્યું હતું કે પ્રભાવશાળી વ્યક્તિના સ્વાંગમાં તેમણે યુવાનોને સંરક્ષણ દળો માટેની કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનામાં તેમની ભરતી માટેની ખાતરી આપી હતી. વિરારના જીવદાની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 29 નવેમ્બરથી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહા વિકાસ આઘાડીથી છેડો ફાડ્યો સપાએ!

કાકાડે અને કાળે ગ્રાઉન્ડ પર ગયા હતા અને અમુક ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો અને તેમને ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ કરવાની ખાતરી આપી હતી.

એક ઉમેદવાર પાસેથી એડવાન્સ રકમ તરીકે એક હજાર રૂપિયા લીધા બાદ આરોપીઓએ તેને તેના જેવા કેટલાક વધુ ઉમેદવારોને લાવવાનું કહ્યું હતું.

જોકે અમુક ઉમેદવારોને ધ્યાનમાં આવ્યું હતું કે આરોપીઓ તેમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળેથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Back to top button