નાયગાંવમાં યુવાને ગળાફાંસો ખાધો: વીડિયોમાં પરિવાર પર હેરાનગતિનો લગાવ્યો આરોપ

પાલઘર: પાલઘર જિલ્લાના નાયગાંવમાં પોતાના પિતા, પત્ની, અને સાસરિયાં સામે હેરાનગતિનો આરોપ કરતો વીડિયો ઉતાર્યા બાદ 32 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી.
પોલીસે આ પ્રકરણે મૃતકની પત્ની, પિતા અને સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતકની ઓળખ બાબુ વિઠ્ઠલ કારાંડે તરીકે થઇ હોઇ તેણે નાયગાંવ વિસ્તારમાં પારસનાથ નગરી ખાતે પોતાના નિવાસે 25 સપ્ટેમ્બરે સાંજના પંખા સાથે ગળાફાંસો ખાધો હતો. બાબુની માતા ઘરે પાછી ફરી ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
નાયગાંવ પોલીસના જણાવ્યા અનુસાર બાબુ કારાંડે એક વર્ષથી વધુ સમયથી તેની પત્ની, પિતા અને સાસરિયાં તરફથી હેરાનગતિનો સામનો કરી રહ્યો હતો.
આ પણ વાંચો: ટિટવાલામાં બ્લેકમેઇલ કરનારા યુવકને વીડિયો કૉલ કરી યુવતીએ ગળાફાંસો ખાધો
બાબુએ અંતિમ પગલું ભરતા પહેલા વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેમના સતત ત્રાસથી કંટાળીને પોતે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે. આ ઘટના બાદ તરત જ બાબુના ભાઇએ તેની ભાભીને આ વીડિયો શૅર કર્યો હતો.
બાબુના ભાઇએ આ પ્રકરણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે આરોપીઓ દ્વારા ગયા વર્ષથી બાબુની સતત મારપીટ કરાઇ હતી. તેની સામે ખોટા આરોપો કરાયા હતા. ઉપરાંત અદાલતી વિવાદો પણ ઊભા કરાયા હતા.
નાયગાંવ પોલીસે આ ફરિયાદને આધારે શુક્રવારે બાબુની પત્ની, પિતા, સાસુ-સસરા અને સાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં કરાયેલા આરોપો અને વીડિયોની પોલીસ ચકાસણી કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)