વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ડ્રાઈવરને રોકવા યુવક ટેક્સીના કેરિયર પર બેસી ગયો, જુઓ વાયરલ વીડિયો
મુંબઈ: વાહનને ટક્કર મારનારી ટૅક્સીના ડ્રાઈવરને રોકવા માટે યુવાન ટૅક્સીના કેરિયર પર બેસી ગયો હોવાની ઘટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાંતાક્રુઝ નજીક બની હતી. યુવાન ટૅક્સીના કેરિયર પર બેઠો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં યુવાન ટૅક્સી પર બેસેલો નજરે પડે છે અને ડ્રાઈવર ટૅક્સી પૂરપાટ વેગે દોડાવી રહ્યો છે. ટૅક્સી પર બેસેલો યુવાન ટૅક્સીને રોકવાનું કહે છે, પરંતુ ડ્રાઈવર તેની વાત સાંભળતો નથી. પોતાના વાહનને ટક્કર મારીને ટૅક્સી ડ્રાઈવર ભાગી રહ્યો હોવાનું યુવાન વીડિયોમાં બોલી રહ્યો છે.
આ પણ વાંચો: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ
વીડિયોમાં ટૅક્સીનો વિન્ડશીલ્ડ તૂટેલો પણ નજરે પડે છે. વાકોલા પોલીસના કહેવા મુજબ આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને વીડિયો મળ્યો છે, પણ આ અંગેની કોઈ ફરિયાદ આવી નથી, એમ અધિકારીનું કહેવું છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો, જ્યારે તેના અંગે લોકોએ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી. અમુક લોકોએ આ ઘટનાને બેદરકારીનો નમૂનો ગણાવ્યો હતો. અમે આ અંગે તપાસ હાથ ધરી છે, જ્યારે આ બનાવ ક્યારનો છે એ પણ ખબર નથી. હાલના તબક્કે અમે ટેક્સીચાલકની તપાસ હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.