આમચી મુંબઈ

આકર્ષક વળતરની લાલચમાં બોરીવલીના યુવાને 1.53 કરોડ રૂપિયા ગુમાવ્યા

મુંબઈ: આકર્ષક વળતરની લાલચ બતાવી સાયબર ઠગ ટોળકીએ બોરીવલીના યુવાન પાસેથી ખાસ્સા દોઢ કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના સ્વાંગમાં આરોપીઓએ રોકાણની બનાવટી સ્કીમ્સ બતાવી કથિત છેતરપિંડી કરી હતી. બોરીવલીમાં રહેતા 44 વર્ષના ફરિયાદીએ આ પ્રકરણે નૉર્થ રિજન રાયબર પોલીસમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર ત્રણ આરોપીએ સારા વળતરની ખાતરી આપી ફરિયાદીને નાણાં રોકવા માટે રાજી કર્યો હતો. ફરિયાદીએ શરૂઆતમાં નાની રકમ 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ફરિયાદીને એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો, જેમાં શૅર ટ્રેડિંગ સંબંધી ટિપ્સ આપવામાં આવતી હતી. ગ્રૂપમાં સ્ટોક ટ્રેડિંગ સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવતું. એ સિવાય આઈપીઓ ખરીદીની માહિતી પૂરી પાડવામાં આવતી. આ સ્કીમ્સમાં રોકાણ કરનારાઓને વેબપેજ પર વળતર કેટલું જમા થયું તેની માહિતી મળી રહી હતી. ફરિયાદીને પણ અગાઉ આ વેબપેજ પર સારું વળતર મળ્યું હોવાનું દર્શાવી વધુ રકમનું રોકાણ કરવા લલચાવ્યો હતો.

Also read: બોરીવલીમાં બે બાળકી સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પિતાની ધરપકડ

ઠગ ટોળકીની જાળમાં સપડાયેલા ફરિયાદીએ 16 ઑક્ટોબર, 2024થી 25 ઑક્ટોબર, 2024 દરમિયાન વધુ 92.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ફરિયાદીને વધુ રોકાણ માટે અલગ અલગ બૅન્ક ખાતાંની વિગતો પણ મોકલવામાં આવી હતી.
જોકે ફરિયાદીએ વળતરની રકમ કઢાવવાનો પ્રયાસ કરતાં તે કઢાવી શક્યો નહોતો. આરોપી દ્વારા ઉડાઉ જવાબ આપી વધુ નાણાં રોકવાની સલાહ આપવામાં આવી હતી. આખરે પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button