મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યા: થાણે કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યા: થાણે કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા

થાણે: 2022માં મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે 23 વર્ષની વયના ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

સેશન્સ કોર્ટના જજ એસ.બી. અગ્રવાલે ગુરુવારે આપેલા પોતાના આદેશમાં મૃતકની માતા સહિત પ્રત્યક્ષદર્શીઓની જુબાનીમાં વિસંગતીઓ અને શસ્ત્રોની જપ્તી સંબંધી પુરાવાઓમાં નબળાઇ હોવાનું નોંધ્યું હતું.

તપાસકર્તા પક્ષ અનુસાર પબજી ગેમને કારણે અગાઉ થયેલા ઝઘડાને લઇ પ્રણવ પ્રભાકર માળી, રોનિત કડુ ગાયકવાડ અને સંદેશ કાકાસાહેબ ડેરેએ સાહિલ બબન જાધવની હત્યા કરી હતી.

સેશન્સ જજે મૃતક જાધવની માતાની જુબાનીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તમામ પાસાંઓ પર વિચાર કર્યા બાદ આ મામલે સંબંધિત સાક્ષીએ ખરેખર આ ઘટના જોઇ છે એ વાત કોઇ પણ પ્રકારના પુરાવા વિના માત્ર એના કહેવા પર માની ન શકાય.
અન્ય પ્રત્યક્ષદર્શી વિશે કોર્ટે કહ્યું હતું કે તેની જુબાની વિરોધાભાસી અને શંકાસ્પદ માનવામાં આવી હતી. કોર્ટે એક સાક્ષીદારની જુબાનીને પણ ‘આશ્ર્ચર્યજનક રીતે શંકાસ્પદ’ ગણાવી હતી, જણે દાવો કર્યો હતો કે હત્યા બાદ આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સપ્તાહ બાદ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ઇજાનું પ્રમાણપત્ર રજૂ કરાયું નહોતું. (પીટીઆઇ)

આપણ વાંચો : ફોટા અને વીડિયોના દુરુપયોગ સામે સુનીલ શેટ્ટીએ ઉઠાવ્યો અવાજ: બોમ્બે હાઈ કોર્ટમાં કરી કેવી માંગ, જાણો

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button