આમચી મુંબઈ

ચાલતી ટ્રેનમાંથી યુવક વૈતરણા નદીમાં પડ્યો: રેલવેના કર્મચારીઓએ જીવ બચાવ્યો

પાલઘર: ચાલતી ટ્રેનમાંથી સંતુલન ગુમાવવાને કારણે પડી ગયેલો યુવક ફંગોળાઈને સીધો વૈતરણા નદીમાં પડ્યો હતો. જોકે રેલવેના કર્મચારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચાવી લેવાયો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ ઉદય મંગેશ વાંગડ (25) બોઈસરથી બોરીવલી આવવા લોકલ ટ્રેનમાં ચઢ્યો હતો. દરવાજા પાસે ફૂટબોર્ડ પર ઊભો રહીને તે પ્રવાસ કરતો હતો. ટ્રેન વૈતરણા નદી પરના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક વાંગડે સંતુલન ગુમાવ્યું હતું. ટ્રેનમાંથી પડી ગયેલો વાંગડ હવામાં ફંગોળાઈને સીધો નદીના પાણીમાં પડ્યો હતો.
કહેવાય છે કે વાંગડ ટ્રેનમાંથી પડ્યો ત્યારે ફરજ પર હાજર રેલવે ટ્રેક મેઈન્ટેનન્સ ગાર્ડ રમેશ સિંહની નજર તેના તરફ ગઈ હતી. સિંહે તાત્કાલિક તેના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક ગામવાસીઓને આ અંગે જાણ કરી હતી.

સિંહે જણાવ્યું હતું કે બે સ્થાનિક રહેવાસી તરત જ મદદે દોડી આવ્યા હતા. બન્ને જણ તેમની બોટ લઈને વાંગડને બચાવવા નદીમાં ગયા હતા. વાંગડ બ્રિજના થાંભલામાંથી છૂટા પડેલા એક લોખંડના સળિયાને પકડીને પોતાનો જીવ બચાવવા ફાંફાં મારતો હતો.

વાંગડને બચાવીને નદીકિનારે લાવવામાં આવ્યો હતો. બાદમાં તેના પરિવારજનોને ઘટનાની જાણ કરાઈ હતી.
સિંહે જણાવ્યું હતું કે યુવક આઘાતમાં હતો. તેને સ્થાનિક હૉસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો. મેં માત્ર મારી ફરજ બજાવી છે. યુવકનો જીવ બચ્યો એની ખાતરી થતાં મને સંતોષ મળ્યો હતો.

દરમિયાન વાંગડને બચાવતી વખતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. પછીથી તેની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પુત્રને બચાવનારાઓને માતાએ દેવદૂત સમાન ગણાવ્યા હતા. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button