આમચી મુંબઈ

મુંબઈ સેન્ટ્રલમાં ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક જીવલેણ અકસ્માતનો બન્યો ભોગ

મુંબઈ: પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં રૉન્ગ સાઇડથી ટ્રેનમાંથી ઊતરતી વખતે લોખંડની ફેન્સિંગમાં ગળું ફસાઇ જતાં 27 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું.

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-4 ખાતે ગુરુવારે સવારના 9.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૃતકના ખીસામાંથી આધાર કાર્ડ મળી આવ્યો હતો, જેના પરથી તેની ઓળખ ધીલા રાજેશ હમિરા ભાઇ (27) તરીકે થઇ હતી. તે સવારે સ્ટેબલિંગ લાઇન નજીક લોખંડની ફેન્સિંગમાં લટકતો મળી આવ્યો હતો અને તેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું.

આ પણ વાંચો: ટિકિટ વિના પ્રવાસ કરતાં પ્રવાસીને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યોઃ યુવક ગંભીર રીતે ઘાયલ

બનાવની જાણ થયા બાદ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. યુવકને બાદમાં નાયર હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

એ જ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે યુવક રૉન્ગ સાઇડથી ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું ગળું ફેન્સિંગમાં ફસાઇ ગયું હતું. આ ઘટનાનો ફોટો પણ વાયરલ થયો હતો.

મુંબઈ રેલવેમાં રોજના હજારો લોકલ ટ્રેનની ફેરી દોડવાય છે પણ અમુક વખત પ્રવાસીઓ દ્વારા ખોટી રીતે ટ્રેનમાંથી ઉતારવા અને ચઢવા, ટ્રેક પસાર કરવા કે પછી સ્ટંટ કરવાથી મોતને ભેટે છે તેમાંય વળી આજે પણ મુંબઈ રેલવેમાં રોજના સાતથી આઠ પ્રવાસીઓ અકસ્માતે મોતને ભેટે છે, જ્યારે આઠથી નવ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે, તેથી તકેદારી રાખવી જરૂરી છે, એમ રેલ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button