આમચી મુંબઈ

લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલમાં સિગ્નલ પાસે વળાંક લેનારી બાઈકને કારે ટક્કર મારતાં બાઈકસવાર યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે બે જણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે કાર ડ્રાઈવરને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એન. એમ. જોશી માર્ગ પોલીસના જણાવ્યા મુજબ રવિવારની બપોરે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ આયુષ કૈલાસ સિંહ (20) તરીકે થઈ હતી. ઘટનાસ્થળેથી કારચાલક મનીષ ચંદ્રભાન સિંહ (25)ને પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર કુર્લામાં રહેતો મનીષ ઈલેક્ટ્રિક કારમાં સેનાપતિ બાપટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. માતુલ્ય નાકા સિગ્નલ ચોક પાસે બાઈક જમણે વળાંક લઈ રહી હતી ત્યારે મનીષે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર બાઈક સાથે ટકરાતાં બાઈકસવાર જમીન પર પટકાયા હતા.

જખમી હાલતમાં આયુષ સિંહ, શિવમ કમલેશ સિંહ (22) અને વિશાલ પ્રેમબહાદુર સિંહ (21)ને પોલીસ વાહન અને એમ્બ્યુલન્સમાં નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં આયુષને મૃત જાહેર કરાયો હતો. શિવમ અને વિશાલને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button