યુવકની ક્રૂરતાથી હત્યા કરી મૃતદેહને વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંક્યો: ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રૂપિયાની માગણી કરનારા યુવકને ટિટવાલામાં બેભાન કર્યા પછી વૈતરણામાં ક્રૂરતાથી તેની કથિત હત્યા કરવામાં આવી હતી. હત્યા પછી યુવકના મૃતદેહને વૈતરણા નદીના પુલ પરથી અંદાજે 125 ફૂટ ઊંચાઈથી નીચે ફેંકનારા ત્રણ જણની પોલીસે ધરપકડ કરી હતી.
મોખાડા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પેંટ્યા જંગલ્યા ચિત્તારી (38), સાઈકુમાર ઈલય્યા કડામાછી (22) અને કિશોર જિતેન્દ્ર શેટ્યે (29) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીને 16 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ તેલંગણા રાજ્યના વતની અને હાલમાં ટિટવાળામાં રહેતા આરોપી ચિત્તારી અને કડામાછી લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની બૉટલ્સ વેચવાનું કામ કરે છે, જ્યારે ઉલ્હાસનગરમાં રહેતો મૃતક દીપક માનસિંહ ઠોકે (25) પણ પાણીની બૉટલ્સ વેચતો હતો. ઠોકે આરોપીઓ પાસેથી વારંવાર રૂપિયા માગતો હતો અને તેમની સાથે મારપીટ પણ કરતો હતો.
બીજી ફેબ્રુઆરીએ ઠોકે રૂપિયા માગવા આરોપીઓના ટિટવાલા સ્થિત ઘરે ગયો હતો, જ્યાં કલ્યાણમાં રહેતો આરોપીઓનો મિત્ર કિશોર શેટ્યે પણ હાજર હતો. આરોપીઓએ ઠોકેને દારૂ પીવડાવીને પાઈપથી ફટકાર્યો હતો, જેમાં તે બેભાન થઈ ગયો હતો. બેભાન ઠોકેને ચિત્તારીની કારમાં ખડવલી માર્ગે કસારા ઘાટમાંથી ખોડાળા રોડ પરના કારેગાંવ શિવારા નજીક વૈતરણા નદીના પુલ પર લઈ જવામાં આવ્યો હતો. પાઈપથી ફટકારી માથા પર પથ્થર મારી અને છરાથી ઉપરાછાપરી ઘા ઝીંકી ઠોકેની હત્યા કર્યા પછી તેને પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.
બીજી બપોરે ઠોકેનો મૃતદેહ પોલીસને નદીકિનારેથી મળ્યો હતો. તેના હાથ પર અલગ અલગ શબ્દોના ટેટૂ હતા. મૃતકની ઓળખ થયા પછી આરોપીઓની શોધ હાથ ધરાઈ હતી. શકમંદો તેમના વતન ગયા હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે હૈદરાબાદથી ત્રણેયને પકડી પાડ્યા હતા.