આમચી મુંબઈ

મુંબઈ-નાસિક હાઇવેની ૧૦ દિવસમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો, નહીં તોઃ પવારની ચેતવણી

મુંબઈ: મુંબઈ-નાસિક હાઇવે પર ૧૦ દિવસમાં રસ્તાની હાલત સુધરે નહીં અને ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થાય તો સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે આપ્યો હતો. આ સિવાય તેમણે રસ્તાઓ પર પડેલી તિરાડો અને ખાડા દૂર નહીં થાય ત્યાં સુધી મુંબઈ-નાસિક હાઇવે પરનો ટોલ કલેકશન અટકાવી દેવાનો પ્રસ્તાવ મૂકવા વહીવટીતંત્રને નિર્દેશ કર્યો હતો.

‘અધિકારીઓએ લોકપ્રતિનિધિઓની મદદથી ટ્રાફિકજામ થતા સ્પોટનું નિરીક્ષણ કરીને યોગ્ય તે ઉપાય-યોજના કરવી જોઇએ. તેઓએ નિયમિત રીતે ડ્રોન વડે ટ્રાફિક પર નજર રાખવી જોઇએ. હાઇવે પર ફ્લાયઓવરના કામ, ખાડાઓને કારમે થતી ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે નિર્દેશનો આપવા જોઇએ’, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…

મૂળ રોડની જેમ યોગ્ય કોંક્રિટ રોડનો વિકલ્પ પૂરો ન પાડવામાં આવે ત્યાં સુધી નવા કામને પરવાનગી ન આપો અને દરેક શક્ય તે પગલાં લેવાને પ્રાથમિકતા આપવાનું પણ અજિત પવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકાર દરેક જરૂરી સહકાર પૂરો પાડશે. તેમ છતાં ૧૦ દિવસમાં જો ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થાય તો સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવશે, એવો આદેશ અજિત પવારે જાહેર બાંધકામ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને આપ્યો હતો.

હાલમાં મુંબઈ-નાસિક હાઇવે પર આસનગાંવ અને વાશિંદ સહિત અનેક જગ્યાએ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જ્યારે વરસાદને કારણે રસ્તાઓ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને નાસિક-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા માટે આઠથી દસ કલાકનો સમય લાગી રહ્યો છે.

‘આ ગંભીર મુદ્દો છે. રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવી અને સમયસર ખાડાઓ પૂરીને વાહનોની ગતિ વધારી શકાય છે, પરંતુ હાઇવે કોન્ટ્રેક્ટરો દ્વારા આ બાબતોને નજરઅંદાજ કરવામાં આવે છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ) અને લોકપ્રતિનિધિઓએ સાથે મળીને હાઇવેની સ્થિતિઓ પર ડ્રોન દ્વારા નજર રાખવી જોઇએ’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

(પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button