બીએમસીની ચૂંટણી પહેલા મુંબઈમાં કેમ લાગ્યા છે યોગી આદિત્યનાથના પોસ્ટર

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હિન્દુત્વવાદી વિચારધારાવાળા લોકોમાં પ્રિય છે અને ભાજપ દરેક રાજ્યોની ચૂંટણીમાં તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરે છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024માં થઈ છે અને મહાયુતી સત્તામાં છે ત્યારે મુંબઈમાં લાગેલા યોગી આદિત્યનાથના પોસ્ટરે સૌનુ ધ્યાન ખેંચ્યું છે.
મુંબઈના ઘણા વિસ્તારોમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્યનાથના પોસ્ટર લાગ્યા છે. દેવેન્દ્રના પોસ્ટરમાં આઈ લવ દેવાભાઉ અને યોગીના પોસ્ટરમાં આઈ લવ બુલડોઝરબાબાના પોસ્ટરે ધૂમ મચાવી છે. દેવેન્દ્રના પોસ્ટર સાથે પણ બુલડોઝર છાપવામાં આવ્યું છે. આ પોસ્ટર આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે લાગ્યા હોવાનું જણાય છે ત્યારે ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપનો ચહેરો છે અને તેમની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે તે સમજી શકાય, પરંતુ આદિત્યનાથના પોસ્ટરે કુતુહલ જગાવ્યું છે. ભાજપ મુંબઈ પાલિકાની ચૂંટણી પણ હિન્દુત્વના મુદ્દા પર લડવા માગે છે કે શું તેવો સવાલ થઈ રહ્યો છે.
મુંબઈ આંતરરાષ્ટ્રીય શહેર છે ત્યારે અહીં ઘણા મુદ્દાઓ મહત્વના છે. દેવેન્દ્ર સાથે બુલડોઝર છાપવાનું કારણ એમ પણ હોઈ શકે તે પણ મુંબઈના ગેરકાયદે બાંધકામ હટાવશે, પરંતુ તેઓ સીએમ તરીકે પણ હટાવી શકે છે. થોડા સમય પહેલા આઈ લવ મોહંમદ પોસ્ટરનો વિવાદ જાગ્યો હતો, જે હિંસક પણ બન્યો હતો અને આને હિન્દુ-મુસ્લિમ મુદ્દો બનાવવામાં આવ્યો હતો.
પાલિકાની ચૂંટણી ભાજપ એકલા લડશે?
દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા મુંબઈ ભાજપના નેતા અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં આવનારી સ્વરાજ્યની ચૂંટણી મામલે ચર્ચા થઈ, જેમાં પાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. દેવેન્દ્રએ આ મામલે જણાવ્યું કે આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સ્વબળે લડવી કે મહાયુતી સાથે મળી લડવી તેનો નિર્ણય જિલ્લાધ્યક્ષ કરશે.
ફડણવીસ સહિત રાજ્યના નેતાઓએ મુંબઈ ભાજપ યુનીટ સાથે વાતચીત કરી ત્યારે એક વર્ગ મહાયુતી સાથે મળી ચૂંટણી લડવા પર ભાર મૂકે છે જ્યારે એક વર્ગ માને છે કે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ, પરંતુ એવા ઘણા નેતાઓ છે, જેનું કહેવાનું છે કે એકનાથ શિંદેની શિવસેના સાથે ચૂંટણી લડવામાં વાંધો નથી, પરંતુ અજિત પવારની એનસીપી જોઈતી જ નથી.
આનું એક કારણ એ પણ હોઈ શકે કે એનસીપીની મુંબઈમાં કોઈ હાજરી નથી. જો તેમની સાથે યુતિ થાય તો ઓછી તો ઓછી અમુક બેઠક તેમને આપવી પડે, જે ભાજપને સ્વાભાવિક રીતે મંજૂર નથી. મુંબઈમાં કુલ 227 વૉર્ડ છે અને ભાજપ પાસે એટલા ઈચ્છુકો છે જ કે તેઓ તમામ વોર્ડ પર પોતાના મજબૂત દાવેદારને ઊભા રાખી શકે. યુતિ થવાને લીધે લોકસભા અને વિધાનસભામાં ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓને પણ મનાવી શકાશે.