યેઉરમાં 500 રૂપિયામાં બળાત્કારની પરવાનગી, જિતેન્દ્ર આવ્હાડનો ગંભીર આરોપ

થાણે: યેઉરમાં બે બંગલામાં બે બળાત્કારની ઘટના બની છે. આ બંને બંગલા ગેરકાયદે છે, આમછતાં આ બંગલા કેમ ન તોડી નાખ્યા? યેઉરમાં પર્યાવરણની હાની માટે કોણ જવાબદાર છે? રાત્રે બહારના લોકોને ત્યાં કેવી રીતે જવા મળે છે? એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આવા સવાલ કરતાં એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે ત્યાં 500 રૂપિયામાં બળાત્કારની છૂટ આપવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે આબકારી વિભાગના પ્રધાને જવાબ આપવો જોઈએ કે આબકારી વિભાગે અહીં દારૂના લાઇસન્સ કેવી રીતે આપ્યા છે.
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના યેઉર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે. યેઉરનું જંગલ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં, અહીં ઘણીવાર રાત્રે પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. થોડા દિવસો પહેલાં, યેઉરમાં બળાત્કારની ઘટના બની હતી. આ ઘટના પછી, યેઉરમાં રાત્રિ પાર્ટીઓ અને ગેરકાયદે બાંધકામો અંગે ફરી એકવાર પ્રશ્ર્નો ઉભા થયા છે. જિતેન્દ્ર આવ્હાડની પુત્રી નતાશાએ પર્યાવરણ પ્રેમીઓ સાથે મળીને યેઉરમાં ઉપવનના પ્રવેશદ્વાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે, તેનો યેઉરમાં હોટેલ માલિકો સાથે ઝઘડો થયો હતો.
આવ્હાડે યેઉરમાં ગેરકાયદે બાંધકામો અંગે સવાલ ઉઠાવ્યા હતા.