
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લામાં આવેલા અને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાતા યેઉરના જંગલમાં થાણે મહાનગરપાલિકાના સિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર બાંધકામને લગતું મટિરિયલ સહિત કોઈ પણ પ્રકારના વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ જે લોકોને બાંધકામની મંજૂરી મળી હોય તેમને પણ વન વિભાગના પ્રવેશદ્વાર પર રહેલા ચોકી પર રીતસરની નોંધ કરવી પડશે. તેમ જ બાંધકામના મટિરિયલ કયા પ્રકારનું છે તેમને ગાડીની વિગતવાર માહિતી આપવી પડશે.
યેઉરમાં ગેરકાયદે ટર્ફ પર હાઈ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ટર્ફના ૧૦ બાંધકામ માટે આઠ બાંધકામ અગાઉ જ તોડી પાડવામાં આવ્યા હતા. એક ટર્ફ કાયદેસરનું છે. તો બાકીના એક ટર્ફને આપેલી મુદત પૂરી થયા બાદ તેને તોડી પાડવામાં આવશે એવું થાણે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. યેઉરમાં આવેલા ગેરકાયદે કમર્શિયલ બાંધકામનો પ્રત્યક્ષ જગ્યા પર જઈને સિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ ડિપાર્ટમેન્ટની મદદથી અતિક્રમણ વિભાગને સર્વેક્ષણ કરતાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
તમામ ગેરકાયદે કમર્શિયલ બાંધકામનો શ્રેણી મુજબ વર્ગીકરણ કરવાનો અને તેમને કયા પ્રકારની મંજૂરી આપવામાં આવી છે અને તે જગ્યાનો શેની માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તપાસવામાં આવી રહ્યું છે. આ લોકો પાસે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રની મંજૂરી,પાલિકાના બાંધકામ વિભાગની મંજૂરી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાઈસન્સ છે કે તે પણ તપાસવામાં આવવાના છે. જો ગેરકાયદે બાંધકામ જણાય તો તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ પણ પાલિકા કમિશનરે આપ્યો છે.
યેઉર અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. ઍરફોર્સ દ્વારા અહીંના બાંધકામ, લાઈટિંગ બાબતે ફરિયાદ આવી હતી. તેના પર તાત્કાલિક પગલા લેવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હાઈ વોલ્ટેજની લાઈટ વાપરવા પર પ્રતિબંધ છે. તેથી હાઈ વોલ્ટેજ ક્ષમતાનો વીજ પુરવઠો આપતા સમયે ધ્યાન રાખવાનો નિર્દેશ મહાવિતરણ કંપનીને આપવામાં આવ્યો છે.
યેઉરના જંગલમાં આવેલા ખાનગી બંગલાના માલિકોને તેમની જગ્યામાં કારણવગર લાઈટિંગ કરવી નહીં અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો નહીં તેમ જ ફટાકડા પણ ફોડવા નહીં એવી ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે. આ સંદર્ભમાં છેલ્લા થોડા મહિનામાં ૧૮૮ લોકોને નોટિસ પણ ફટકારવામાંઆવી છે. તો ફટાકડા ફોડવા, લાઉડસ્પીકર વાપરવા જેવા ૧૮ ગુના પણ નોંધવામાં આવ્યા છે.