પુણે નજીક ડેમુ ટ્રેનમાં આગ લાગી, ધુમાડો ફેલાતા મુસાફરોમાં ગભરાટ; જાણો શું હતું કારણ…

પુણે: આજે સવારે પુણે જીલ્લાના યેવત નજીક એક એક ડેમુ ટ્રેનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ (Fire in Demu train Pune) હતી. અહેવાલ મુજબ દૌંડથી પુણે જતી ડેમુ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી, આગ અને ધુમાડાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગને સમયસર કાબુમાં લેવામાં આવી હતી., હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.
આ ઘટના પુણે જિલ્લાના યેવત નજીક સવારે 8 વાગ્યે બની હતી. દૌંડ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અહેવાલ મુજબ આગને કારણે એક મુસાફર ટોઇલેટમાં ફસાઈ ગયો હતો. દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ કારણે લાગી આગ:
એક અધિકારીના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના એક મુસાફરે ધૂમ્રપાન કર્યા પછી સળગતી બીડી કચરાપેટીમાં ફેંકી દીધી હતી, જેને કારણે આગ લાગી હતી. આ ઘટનાના 55 વર્ષીય શખ્સની અટકાયત કરવામાં આવી છે.
જાનહાનિ ટળી:
અધિકારીના જણાવ્યા મુજબ, ‘આ ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. ડસ્ટબિનમાં કાગળ અને અન્ય કચરો હતો, જેમાં આગ લાગી હતી, જેના કારણે શૌચાલય પાસેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.’અધિકારીઓના જણાવ્યા મુજબ કોચમાં ફક્ત થોડા જ મુસાફરો હતા. અધિકારીએ જણાવ્યું હતું કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.