બાન્દ્રા-વરલી સી-લિંક પર જોખમી સ્ટન્ટ કરનારા ગાયક વિરુદ્ધ ગુનો

મુંબઈ: બાન્દ્રા-વરલી સી-લિંકની રૅલિંગ પર ચઢીને કથિત જોખમી સ્ટન્ટ કરવા બદલ બાન્દ્રા પોલીસે બોલીવૂડના ગાયક અને ગીતકાર યાસર દેસાઈ સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
સોશ્યલ મીડિયા પર કથિત સ્ટન્ટનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. વીડિયોમાં દેસાઈ સી-લિંકને કિનારે રૅલિંગ પર ઊભો હોવાનું નજરે પડે છે.
અધિકારીના જણાવ્યા મુજબ સી-લિંક પરથી પસાર થનારા એક વાહનચાલકે સિંગર દેસાઈને રૅલિંગ પર ઊભેલો અને તેના બે સહાયકને તેનું શૂટિંગ કરતા જોયા હતા. શૂટિંગ પત્યા પછી ત્રણેય જણ કારમાં બેસી સી-લિંક પરથી પસાર થઈ ગયા હતા.
આપણ વાંચો: બાન્દ્રામાં કારના બોનેટ પર બેસી જોખમીસ્ટન્ટનો વીડિયો વાયરલ: બે પકડાયા…
ગાયકને રૅલિંગ પર ઊભેલો જોનારા કારચાલકે પણ મોબાઈલની મદદથી વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને બાદમાં તે વીડિયો પોલીસને મોકલી દીધો હતો. પોલીસે કારની નંબર પ્લૅટને આધારે શોધ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રૅલિંગ પર ઊભેલી વ્યક્તિ ગાયક દેસાઈ હોવાનું જણાયું હતું. આ પ્રકરણે બાન્દ્રા પોલીસે સિંગર અને તેના બે સહાયક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 281, 125 અને 3(5) તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ વધુ કાર્યવાહી માટે સિંગર અને તેના બે સાથીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)