આમચી મુંબઈ

લવજેહાદનો ભોગ બનેલી યશશ્રીના અંતિમસંસ્કાર, આરોપીને ફાંસી આપવાની પરિવારની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાવીસ વર્ષની યશશ્રી શિંદેની ઉરણમાં કથિત રીતે લવ જેહાદના પ્રકરણમાં થયેલી નિર્મમ હત્યાથી ઉરણ સહિત આખા મહારાષ્ટ્ર અને દેશમાં આક્રોશ ફેલાયેલો છે અને નરાધમ આરોપી મોહમ્મદ દાઉદ શેખ હજી પણ પોલીસથી નાસતો ફરતો હોઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જોકે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી યશશ્રીના અંતિમસંસ્કાર નહીં કરાય તેવો નિર્ધાર કરનારા યશશ્રીના કુટુંબીજનોએ આખરે પોલીસે કરેલી સમજાવટ બાદ આજે સવારે યશશ્રીના અંતિમસંસ્કાર કર્યા હતા.

સેંકડોની મેદની અને શોકાતુર વાતાવરણ વચ્ચે લોકોએ યશશ્રીને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. જોકે અંતિમ સંસ્કાર દરમિયાન પણ આરોપીને ફાંસી આપવા અને લવ જિહાદને નાબૂદ કરવા માટે નારેબાજી થઇ હતી. અત્યંત ઘૃણાસ્પદ અને ક્રૂરતાની હદ વટાવનારા આ હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત રાજકીય ક્ષેત્રે પણ પડી રહ્યા છે. કુટુંબીજનોને સાંત્વના આપવા રાજકારણીઓ-નેતાઓ પણ ઉરણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : નવી મુંબઇમાં જ્વેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ વીડિયો

દરમિયાન યશશ્રીના કુટુંબ દ્વારા આરોપીને ફાંસી આપવામાં આવે ફક્ત એક જ માગણી કરવામાં આવી રહી છે. યશશ્રીના ભાઇએ સરકાર સમક્ષ માગણી કરતા જણાવ્યું હતું કે જે રીતે મારી બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઇ એ પછી અમારી એક જ વિનંતી છે કે દાઉદને ફાંસી આપવામાં આવે. બીજા કોઇના ઘરમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે અમે સરકારને આ અપીલ કરીએ છીએ. જ્યારે યશશ્રીના પિતાએ આરોપી પર તાત્કાલિક અને કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે, તેવી માગણી કરી હતી.

લવ જેહાદ ચરમસીમાએ, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલશે: ભાજપ
ભાજપ સ્થાનિક વિધાનસભ્ય મહેશ બાલદી તેમ જ મુંબઈ ખાતેના ભાજપના ભૂતપૂર્વ સાંસદ ઉરણ જઇને યશશ્રીના કુટુંબીજનોને મળ્યા હતા. તેમણે આરોપી મોહમ્મદ દાઉદ શેખ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ પણ ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું. જ્યાં સુધી તેના પર કેસ ચાલે ત્યાં સુધી તેને જેલની બહાર નહીં કઢાય, એમ ભાજપ નેતાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કેસ લવ જિહાદનો છે અને અત્યંત ગંભીર છે.

મુંબઈની પૂનમ ક્ષીરસાગરના કેસ સાથે સરખામણી
ભાજપ દ્વારા યશશ્રીની હત્યાના કેસની સરખામણી ત્રણ મહિના પૂર્વે આ જ પ્રકારે મુંબઈની પૂનમ ક્ષીરસાગરની હત્યા સાથે કરવામાં આવી હતી. ભાજપે કહ્યું હતું કે પૂનમની હત્યા પણ આટલી જ ક્રૂરતાપૂર્વક નિઝામુદ્દીન દ્વારા કરવામાં આવી હતી. લવ જિહાદનું લક્ષ્ય લઇ યુવતીઓને ફસાવી, ભગાવીને તેમની હત્યા કરવામાં આવતી હોવાનો આરોપ ભાજપ દ્વારા મૂકાયો છે.

રાજકારણ નહીં કરીએ, આરોપીને સજા થાય એ માગ: વિપક્ષ
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અંબાદાસ દાનવે પણ યશશ્રીના કુટુંબીજનોને મળ્યા હતા અને તેમણે આ પ્રકરણે રાજકારણ ન કરવામાં આવે એમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલીસને હજી 48 કલાકનો સમય આપો તે ચોક્કસ આરોપીને પકડશે. આરોપીને કઠોરમાં કઠોર સજા આપવામાં આવે તેવી અમારી માગણી છે. દાનવે નવી મુંબઈના પોલીસ કમિશનર મિલીંદ ભરાંબેને પણ મળ્યા હતા અને કેસ બાબતે ચર્ચા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button