વરલી હિટ એન્ડ રન કેસ:મુખ્ય આરોપી મિહિર શાહને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઇ
મુંબઈ: વરલીમાં 45 વર્ષની મહિલાનો ભોગ લેનારા હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને કોર્ટે મંગળવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
વરલીમાં ડો. એની બેસન્ટ રોડ પર શો-રૂમની નજીક 7 જુલાઇએ વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં કાવેરી નાખવા (45) નામની મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પતિ પ્રદીપ ઘવાયો હતો. અકસ્માતના બે દિવસ બાદ પોલીસે વિરારથી મિહિરની ધરપકડ કરી હતી.
મિહિર શાહની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને મંગળવારે શિવડી કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.પી. ભોસલે સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં પોલીસે તેની કસ્ટડી લંબાવી આપવાની માગણી કરી હતી. પોલીસે કોર્ટને કહ્યું હતું કે આરોપીએ એ લોકોની માહિતી આપી નથી જેમણે તેને આશ્રય આપ્યો હતો, જ્યારે તે ફરાર હતો. ઉપરાંત આરોપીએ ગુમ નંબર પ્લેટ વિશે પણ માહિતી આપી નથી.
આ પણ વાંચો : વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ
સરકારી વકીલ રવીન્દ્ર પાટીલ અને ભારતી ભોસલેએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં આરોપીની કસ્ટડી લંબાવવી જોઇએ. મિહિર શાહ વતી હાજર એડવોકેટ આયૂષ પાસબોલા અને સુધીર ભારદ્વાજે આનો વિરોધ કરતાં કહ્યું હતું કે પોલીસે આરોપી પાસેથી જે પણ કબજે કરવાની જરૂર હતી તે કબજે કરી છે. પોલીસે 27 સાક્ષીદારોનાં નિવેદન નોંધ્યાં છે અને તપાસકર્તાઓને એ જાણવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો કે આરોપી ફરાર હતો ત્યારે તે કોના સંપર્કમાં હતો. દરમિયાન બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે મિહિર શાહને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.