વરલી હિટ એન્ડ રન કેસ:મારી અટકાયત ગેરકાયદે: મિહિર શાહ હાઇ કોર્ટમાં
મુંબઈ: વરલી વિસ્તારમાં સ્કૂટરને બીએમડબ્લ્યુ કારની અડફેટે લઇ મહિલાનું મોત અને તેના પતિને ઘાયલ કરવાના કેસમાં મુખ્ય આરોપી મિહિર રાજેશ શાહે મુંબઈ હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે અને પોતાને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યો હોવાથી તુરંત છુટકારો કરવામાં આવે એવી વિનંતી કરી છે.
વરલીના ડો. એની બેસન્ટ રોડ પર 7 જુલાઇએ વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં 45 વર્ષની કાવેરી નાખવાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પતિ પ્રદીપ ઘવાયો હતો. આ કેસમાં મિહિરના પિતા રાજેશ શાહ અને ડ્રાઇવર રાજઋષી બિડાવતની ધરપકડ કરાઇ હતી, જ્યારે બે દિવસ બાદ મિહિરને વિરાર ફાટાથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજેશ શાહ જામીન પર મુક્ત છે, જ્યારે મિહિર અને બિડાવત હાલ અદાલતી કસ્ટડીમાં છે.
મિહિર શાહે ગયા સપ્તાહે મુંબઈ હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસ (વ્યક્તિને હાજર કરો) અરજી દાખલ કરી છે, જેમાં દાવો કર્યો છે કે તેને ગેરકાયદે રીતે અટકાયતમાં રખાયો છે અને તેને તુરંત છુટકારો કરવો જોઇએ. જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજૂષા દેશપાંડેની ખંડપીઠ દ્વારા બુધવારે તેની અરજી પર સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે.
આ પણ વાંચો :બોલો, કોસ્ટલ રોડને કારણે બાંદ્રા-વરલી સી લિંક પર ઊભી થઈ ટ્રાફિક જામની સમસ્યા…
અત્રે ઉલ્લેખનીય છે કે મરીન ડ્રાઇવથી પાછા ફરતી વખતે બીએમડબ્લ્યુ હંકારી રહેલા મિહિર શાહે વહેલી સવારે વરલીમાં સ્કૂટરને ટક્કર મારતાં કાવેરી નાખવા અને તેનો પતિ બોનેટ પર પટકાયાં હતાં. કાવેરીની સાડીનો પાલવ કારના ટાયરમાં વીંટળાયો હતો અને તે બોનેટ-બંપર વચ્ચે ફસાઇ ગઇ હતી. કાવેરીને દોઢ કિ.મી. સુધી ઘસડ્યા બાદ સી-લિંક નજીક મિહિરે બ્રેક મારીને કાર થોભાવી હતી. મિહિર અને ડ્રાઇવર રાજઋષી બિડાવત કારમાંથી ઊતર્યા હતા અને કાવેરીને કાઢીને રસ્તા પર મૂકી હતી. બાદમાં બિડાવતે સ્ટિયરિંગ સંભાળ્યું હતું. તેણે કારને રિવર્સમાં લીધી હતી અને કાવેરીને બચાવવાને બદલે તેના પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત સમયે મિહિર દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ