વરલી હિટ એન્ડ રન કેસ: ફરાર મિહિર શાહની વિરારથી ધરપકડ
શહાપુરથી માતા-બે બહેનને તાબામાં લઇ મુંબઈ લવાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલાં કાવેરી નાખવા અને તેના પતિને અડફેટમાં લીધા બાદ ફરાર થયેલા શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહના પુત્ર મિહિરને બે દિવસ બાદ પોલીસે વિરારથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બીજી તરફ મિહિર શાહની માતા અને બે બહેનને શાહપુરથી તાબામાં લીધા બાદ પૂછપરછ માટે તેમને મુંબઈ લવાઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વરલીમાં બીએમડબ્લ્યુ અકસ્માત: બોનટ પર ફસાયેલી મહિલાને બચાવવાને બદલે તેના પર કાર ચડાવી દીધી
અકસ્માત બાદ ફરાર થઇ ગયેલા મિહિર વિરુદ્ધ પોલીસે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું અને વરલી પોલીસની છ ટીમ તેમ જ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ મિહિરની શોધ ચલાવી રહી હતી. આખરે પોલીસે વિરારમાં વિરાર ફાટા નજીકથી તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વરલીમાં રવિવારે વહેલી સવાર થયેલા અકસ્માત બાદ મિહિર રિક્ષા પકડી તેની ગર્લફ્રેન્ડના ગોરેગામના નિવાસે ગયો હતો, જ્યાં તે થોડા સમય માટે રોકાયો હતો. ગર્લફ્રેન્ડને તેણે અકસ્માત અંગે જાણ કરી હતી. આથી ગર્લફ્રેન્ડે મિહિરની બહેનનો સંપર્ક સાધી તેને માહિતી આપી હતી. મિહિરની બહેન ત્યાં આવી હતી અને તેને પોતાની સાથે લઇ ગઇ હતી. મિહિરની માતા, બહેન તથા મિત્રો બાદમાં મિહિર સાથે બે વાહનમાં શહાપુર ગયાં હતાં, જ્યારે તેઓ રિસોર્ટમાં રોકાયાં હતાં. તમામ લોકોએ પોતાના મોબાઇલ બંધ રાખ્યા હતા. મિહિર બાદમાં ત્યાંથી છૂટો પડ્યો હતો અને તે વિરાર પહોંચ્યો હતો, જ્યાં તે હોટેલમાં રોકાયો હતો. પોલીસ મિહિરના મિત્રને પણ શોધી રહી હતી, જેણે પોતાનો મોબાઇલ ચાલુ કરતાં તેનું લોકેશન વિરાર બતાવ્યું હતું. આથી પોલીસ ત્યાં પહોંચી હતી અને મિહિરને ઝડપી પાડ્યો હતો.
દરમિયાન પોલીસે મિહિરની માતા, બે બહેન અને મિત્રને શાહપુરથી, જ્યારે બીજા મિત્રને વિરારથી તાબામાં લીધાં હતાં. તમામને મુંબઈ લાવવામાં આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વરલીના હિટ એન્ડ રન કેસમાં પોલીસને મળી મોટી સફળતા: ફરાર મિહિર શાહની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે મરીન ડ્રાઇવથી પાછા ફરતી વખતે બીએમડબ્લ્યુ હંકારી રહેલા મિહિર શાહે વહેલી સવારે વરલીમાં ડો. એની બેસન્ટ રોડ પર સ્કૂટરને ટક્કર મારતાં કાવેરી નાખવા અને તેનો પતિ બોનેટ પર પટકાયાં હતાં. પ્રદીપ બાદમાં નીચે પડી ગયો હતો, જ્યારે કાવેરીની સાડીનો પાલવ કારના ટાયકમાં વીંટળાયો હતો અને તે બોનેટ-બંપર વચ્ચે ફસાઇ ગઇ હતી. કાવેરીને દોઢ કિ.મી. સુધી ઘસડ્યા બાદ સી-લિંક નજીક મિહિરે બ્રેક મારીને કાર થોભાવી હતી. મિહિર અને ડ્રાઇવર રાજઋષી બિડાવત કારમાંથી ઊતર્યા હતા અને તેમણે કાવેરીને કાઢીને રસ્તા પર મૂકી હતી. બાદમાં બિડાવતે સ્ટિયરિંગ સંભાળ્યું હતું. બિડાવતે કારને રિવર્સમાં લીધી હતી અને ઘવાયેલી કાવેરીને બચાવવાને બદલે તેના પર કાર ચડાવી દીધી હતી.
જુહુનો બાર એક્સાઇઝ વિભાગે કર્યો સીલ
વરલીમાં અકસ્માત અગાઉ મિહિર શાહ અને તેના મિત્રો શનિવારે રાતના જુહુ વિસ્તારમાં આવેલા જે બારમાં ગયો હતો તેને સ્ટેટ એક્સાઇઝ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. બારના મેનેજરે મિહિરને દારૂ પીરસ્યો હતો. મિહિર હજી 24 વર્ષનો થયો નથી, જ્યારે મહારાષ્ટ્રમાં દારૂ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષની છે. આથી બાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જિલ્લાધિકારીની સૂચના પરથી બારને સીલ કરવામાં આવ્યો છે, એમ એક્સાઇઝ વિભાગના અધિકારીએ કહ્યું હતું.
ડ્રાઇવરની પોલીસ કસ્ટડી 11 જુલાઇ સુધી લંબાવાઇ
વરલીમાં બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા રાજેશ શાહના ડ્રાઇવરની પોલીસ કસ્ટડી શિવડી કોર્ટે 11 જુલાઇ સુધી લંબાવાઇ હતી. સોમવારે કોર્ટે રાજેશ શાહના જામીન મંજૂર કર્યા હતા, જ્યારે ડ્રાઇવર રાજઋષી બિડાવતને એક દિવસની પોલીસ કસ્ટડી ફટકાઇ હતી. આથી બિડાવતને મંગળવારે ફરી કોટમાં હાજર કરાયો હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે બિડાવતની કસ્ટડીની માગણી કરી હતી. આથી તેની કસ્ટડી લંબાવાઇ હતી. રવિવારે વહેલી સવારે થયેલા આ અકસ્માત સમયે મિહિરની સાથે ડ્રાઇવર રાજઋષી બિડાવત પણ કારમાં હાજર હતો. વરલીમાં મિહિરે બીએમડબ્લ્યુ હંકારીને સ્કૂટર પર જઇ રહેલા પ્રદીપ નાખવા અને તેની પત્ની કાવેરી નાખવાને અડફેટમાં લીધાં હતાં, જેમાં કાવેરીનું મૃત્યુ થયું હતું.