આમચી મુંબઈ
ટેક્સટાઇલ યુનિટમાં મશીનમાં ફસાઇ જતાં કામગારનું મૃત્યુ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ટેક્સટાઇલ યુનિટમાં મશીનમાં ફસાઇ જતાં 51 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ રમેશ અર્જુન યાદવ તરીકે થઇ હોઇ તે બુધવારે રાતે નવ વાગ્યાની આસપાસ યુનિટમાં કામ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
જિગ્ગર મશીનમાં ફસાઇ ગયેલા યાદવ પર તેના સહકર્મીની નજર પડતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે અન્ય કામગારો ત્યાં દોડી આવ્યા હતા. યાદવને મશીનમાંથી બહાર કઢાયા બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
બિહારના વતની યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. પોલીસ ટીમ આ પ્રકરણે તપાસ કરી રહી છે, એમ ભોઇવાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



