આમચી મુંબઈ

કલ્યાણ-બદલાપુર વચ્ચે ત્રીજી-ચોથી લાઇનનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ થશે

મુંબઈ: મધ્ય રેલવેના મહત્ત્વના સ્ટેશનોમાંથી બદલાપુર અને અંબરનાથમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં રેલવે ટ્રાન્સપોર્ટમાં વધતાં દબાણને લીધે સમસ્યા નિર્માણ થઈ રહી છે. પ્રવાસીઓના ભીડની સમસ્યાને ઓછી કરવા માટે મધ્ય રેલવે પ્રશાસન દ્વારા કલ્યાણ-બદલાપુર દરમિયાન ત્રીજી અને ચોથી રેલવે લાઇન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે. કલ્યાણ-બદલાપુર માર્ગમાં વધુની બે રેલવે લાઇન નાખવાનું કામ 21 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે, જેથી ડિસેમ્બર 2026 સુધી આ ટ્રેકનું કામ પૂર્ણ થઈ જશે એવી આશા છે.

બદલાપુર-અંબરનાથને જોડતી આ બે લાઇન શરૂ થયા બાદ રેલવે સેવા વધુ ઝડપે થવાની સાથે માર્ગની લોકલ ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (એમઆરવીએમ) દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ત્રણ ‘એ’ (એમયુટીપી ત્રણ ‘એ’) હેઠળ કલ્યાણ-બદલાપુર દરમિયાન ત્રીજી અને ચોથી લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામને કરવા માટે બિલ્ડિંગ, કવર ઓવર હેડશેડ, પ્લેટફોર્મ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પૂરી પાડવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 20મી માર્ચ 2024 સુધી આ ટેન્ડર ભરી શકાય છે અને તે પછી આ કામ શરૂ થશે.

કલ્યાણ-બદલાપુર વચ્ચે માત્ર બે માર્ગ પર ટ્રેનો દોડે છે, જેથી આ ટ્રેક પર લાંબા અંતરની મેલ/એક્સ્પ્રેસ ટ્રેનો સાથે માલગાડી પણ દોડતા માર્ગની ટ્રેનો મોડી દોડે છે. વિઠ્ઠલવાડી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર જેવા કલ્યાણની આગળના વિસ્તારોમાં લોકસંખ્યામાં વધારો આવતા વધુ લોકલ સેવા માર્ગમાં શરૂ કરવામાં આવે એવી માગણી પ્રવાસીઓએ કરી હતી. પ્રવાસીઓની આ અરજીને સ્વીકારી માર્ગની સેવાને નિયમિત કરવાનો પ્રયત્ન પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેકટના બાંધકામ માટે ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયું છે અને બદલાપુર-અંબરનાથ ખાતે સ્ટેશન, રેલવે યાર્ડ અને બ્રિજના બાંધકામ માટે 9.9 હેક્ટરની જમીન પર આ કામકાજ કરવામાં આવવાનું છે. કલ્યાણ-બદલાપુર દરમિયાન ત્રીજી અને ચોથી લાઇન નાખવા માટે 1,509.87 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button