કુર્લા-CSMT વચ્ચે 10 વર્ષથી 2 રેલવે લાઇનનું કામ અટકેલું, જાણો શું છે કારણ? | મુંબઈ સમાચાર

કુર્લા-CSMT વચ્ચે 10 વર્ષથી 2 રેલવે લાઇનનું કામ અટકેલું, જાણો શું છે કારણ?

મુંબઈઃ મધ્ય રેલવેમાં કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે બે રેલવે લાઇનનું બાંધકામ 2015ની આસપાસ શરૂ થયું હતું, પરંતુ હજી સુધી તેમાં બહુ ઓછી પ્રગતિ જોવા મળી છે. એપ્રિલ 2025ના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં આ પ્રોજેક્ટને સૌથી મોટા ગેરવ્યવસ્થાપિત પ્રોજેક્ટ્સ પૈકીનો એક દર્શાવવામાં આવ્યો છે. આ યોજનામાં ક્યાં ત્રુટિ અને અવરોધો છે તેના પર એક નજર કરીએ.

પ્રસ્તાવિત પ્રોજેક્ટને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં મધ્ય રેલવેમાં કુર્લા સ્ટેશન રેલવેથી પરેલ સ્ટેશન અને પરેલથી સીએસએમટી સ્ટેશન. મધ્ય રેલવેએ પ્રથમ તબક્કાનું કામકાજ પહેલા પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. હાલમાં, કુર્લા અને કલ્યાણ વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન છે, જે વિદ્યાવિહાર નજીક પૂરી થાય છે અને તેને પરેલ પછી સીએસએમટી સુધી લંબાવવાની જરૂર છે.

ડ્રોઇંગ અને સ્થળો વિના બાંધકામના કોન્ટ્રાક્ટ આપ્યા
સીએસએમટી અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલ્વે લાઇનનો અંદાજિત ખર્ચ રૂ. 891 કરોડ છે. આ પ્રોજેક્ટ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)-IIનો એક ભાગ છે અને તેને રેલવે મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા 50:50 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેગે રેલવેને ઠપકો આપતા કહ્યું હતું કે મંજૂર ડિઝાઇન, ડ્રોઇંગ અને સ્પષ્ટ સ્થળો વગેરે વિના બાંધકામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જેના કારણે કામ પૂર્ણ થવામાં વિલંબ થયો છે.

પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ડેડલાઈન વધુ લંબાશે
CAGના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2024 સુધીમાં 890.89 કરોડ રૂપિયાના મંજૂર અંદાજ (સપ્ટેમ્બર 2014) સામે 500.93 કરોડ રૂપિયા (56.22 ટકા) ખર્ચ થયો હોવા છતાં માત્ર 26 ટકા કામ પૂર્ણ થયું (જાન્યુઆરી 2024), જે દર્શાવે છે કે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ વધુ લંબાશે. 10.10 કિમી લાંબા પ્રથમ તબક્કાનું કામ હજુ સુધી વિલંબિત છે કારણ કે જમીન સંપાદન હજુ પૂર્ણ થયું નથી. ઓળખાયેલા 758 પીએપીમાંથી, માત્ર 41નું 2017માં પુનર્વસન કરવામાં આવ્યું હતું.

વિવિધ મુદ્દાને લઈ ધારાવી આરઓબીના ટેન્ડર થયા નથી
પરેલ ખાતેનું ઉપનગરીય ટર્મિનસ માર્ચ 2019માં પૂર્ણ થયું હતું, 67 સર્વિસ બિલ્ડિંગોમાંથી ત્રણનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને ચાર (દાદર, માટુંગા, સાયન, કુર્લા)નું સ્થળાંતર ચાલુ છે. સાયન ખાતે રોડ ઓવરબ્રિજ (ROB) પર હજી હમણાં કામ શરુ થયું છે. વિવિધ મુદ્દાઓને કારણે ધારાવી ROB ટેન્ડર પ્રક્રિયા થઇ નથી.

14 સ્થળની સમસ્યાઓને કારણે વિલંબિત છે
બે ફ્લાયઓવર (કુર્લા અને કિંગ સર્કલ ખાતે) બાંધકામ હેઠળ છે, અને 19 માંથી માત્ર પાંચ ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે, જેમાંથી 14 સ્થળની સમસ્યાઓને કારણે વિલંબિત છે. બીજા તબક્કામાં ઓક્ટોબર 2023 માં જમીન સંપાદન દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં મધ્યરેલ તરફથી કોઈ પ્રગતિના અહેવાલ નથી.

દાદરમાં ક્રોસઓવર માટે ટ્રેનને રોકવાની સમસ્યા
મધ્ય રેલવેમાં રોજિંદા પ્રવાસીઓ જે રોજ ટ્રેનની ગર્દી, નિયમિત રીતે અનિયમિત સમયપત્રક સાથે દોડતી ટ્રેનોથી ત્રસ્ત છે, તેઓ પાંચમી અને છઠ્ઠી લાઈન પૂર્ણ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પણ જે ગતિએ કામ ચાલુ છે, તે જોતાં બીજા દસ વર્ષમાં પણ પૂરું થશે કે કેમ એ પ્રશ્ન પુછાઈ રહ્યો છે. દાદર ખાતે દરેક ફાસ્ટ ટ્રેનને મેલ/એક્સપ્રેસ ટ્રેનના ક્રોસઓવર માટે રોકવામાં આવે છે, રોજ લાખો મુસાફરો તે ટ્રેનોમાં રાહ જોતા રહે છે.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જમીન સંપાદનના મુદ્દાઓ ઝડપી બનાવવામાં આવ્યા છે, અને કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો ચાલુ છે. “જ્યાં સુધી પુનર્વસનના મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વ્યાવહારિક રીતે કોઈ પણ કાર્ય શરૂ થઈ શકતું નથી. કુર્લા એલિવેટેડ સ્ટેશન અને લાઇન પ્રોજેક્ટ સાથે, પાંચમી અને છઠ્ઠી લાઇનના નિર્માણમાં સાયન બ્રિજનું કામ સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. કામ ટુકડાઓમાં ચાલી રહ્યું છે અને અમે વહેલી તકે જમીનની પ્રક્રિયા કરાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.'” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

  • ગ્રેટર મુંબઈ, ધારાવી અને અન્ય સ્થળોએ 723 ચોરસ મીટર જમીનનું સંપાદન 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું. 6.35 કરોડ રૂપિયાની ચુકવણીની મંજૂરી બાકી છે. પ્રોજેક્ટથી પ્રભાવિત લોકોના પુનર્વસનનો પણ પ્રશ્ન બાકી છે.
  • 260.34 ચોરસ મીટર જમીન (શાલીમાર ફેક્ટરી, કિંગ્સ સર્કલ, વગેરેની માલિકીની) નું સંપાદન પૂરું થયું છે, પણ પુનર્વસન લટકેલું છે.
  • ટાટા પાવર અને ખાનગી માલિકોની માલિકીની 210.25 ચોરસ મીટર જમીનનું સંપાદન હજી પૂર્ણ થયું નથી.
  • સ્વદેશી મિલ દ્વારા કબજામાં લેવાયેલી 4,390.65 ચોરસ મીટર જમીન અને કુર્લા-સાયનમાં પ્લોટનું સંપાદન પ્રગતિમાં કોર્ટ કેસ અને અસરગ્રસ્તોના વાંધા-વિરોધના કારણે અટકેલું છે.
  • 2014માં 890.89 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ વાળી આ યોજના પૂર્ણ થતા સુધીમાં કેટલે પહોંચશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

આપણ વાંચો:   કચરા પર પ્રક્રિયા કરનારા બલ્ક વેસ્ટ જનરેટરોને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button