ગૂણી પરના માર્કની મદદથી મહિલાનો હત્યા કેસ ઉકેલાયો: ત્રણની ધરપકડ
લિવ-ઈનમાં રહેતી મહિલા લગ્નની જીદ કરતી હોવાથી કાસળ કાઢ્યું: જંગલમાં ગળું દબાવી હત્યા કરીને મૃતદેહને ગૂણીમાં ભરી પુલ પરથી નદીમાં ફેંક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના નાશિક-જવ્હાર રોડ પરની વાઘ નદીને કિનારે ગૂણીમાંથી મળેલા મહિલાના મૃતદેહનો કેસ પોલીસે ગૂણી પરના માર્કની મદદથી ઉકેલી કાઢ્યો હતો. લિવ-ઈનમાં રહેતી મહિલા લગ્ન કરવા વારંવાર જીદ કરતી હોવાથી આરોપીએ બે મિત્રની મદદથી તેનું કાસળ કાઢ્યું હતું. મોખાડાના જંગલમાં ગળું દબાવી મહિલાની હત્યા કર્યા પછી મૃતદેહને ગૂણીમાં ભરી પુલ પરથી નદીમાં ફેંકવામાં આવ્યો હતો.
મોખાડા પોલીસે સોમવારે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાજુકુમાર રાસબિહારી વરહી (24), સુરેશ રામશોભીત સિંહ (50) અને બાલાજી અશોક વાઘમારે (34) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીને 11 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ નેપાળના વતની અને હાલમાં વાપીના સિલવાસામાં રહેતા રાજુકુમાર વરહી અને નેપાળની જ વતની કાજોલ ગુપ્તા (25) વચ્ચે પ્રેમસંબંધ હતા. બન્ને જણ સિલવાસામાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હતાં. જોકે કાજોલ વારંવાર લગ્ન માટે વરહી પર દબાણ કરતી હતી, જેને લઈ આરોપી વરહી કંટાળ્યો હતો.
આ પણ વાંચો: ઉલવેમાં બ્લૅકમેઈલ કરી સેક્સની માગણીકરનારા ડ્રાઈવરની હથોડો ફટકારી હત્યા…
વરહીએ તેના બે મિત્ર સિંહ અને વાઘમારે સાથે મળીને કાજોલનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. પોલીસને મૃતદેહ મળ્યાના ત્રણ દિવસ અગાઉ વાઘમારેની કારમાં કાજોલને ફરાવવાને બહાને સિલવાસાથી દહાણુમાં મહાલક્ષ્મી માતાના મંદિરે લઈ જવામાં આવી હતી. ત્યાં દર્શન કરી ચારેય જણ નાશિકના ત્ર્યંબકેશ્ર્વર ગયા હતા. પાછા ફરતી વખતે કાર મોખાડાના જંગલ પરિસરમાં ઊભી રાખવામાં આવી હતી. પછી સ્કાર્ફથી ગળું દબાવી કાજોલની હત્યા કરવામાં આવી હતી. તેના શબને ગૂણીમાં ભરી પુરાવાનો નાશ કરવાને ઇરાદે ઘાટકરપાડા ગામની હદમાં આવેલા પુલ પરથી વાઘ નદીમાં ફેંકવામાં આવ્યું હતું.
પહેલી એપ્રિલે વાઘ નદીને કિનારેથી મહિલાનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગૂણીમાંથી દુર્ગંધ આવતી હોવાથી ગામવાસીઓની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. મોખાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઈન્ચાર્જ એપીઆઈ પ્રેમનાથ ઢોલેની ટીમે તપાસ હાથ ધરી હતી. ગૂણી પર ‘એસએમ 28’ માર્ક હતો. વળી, ગૂણીમાંથી વટાણાના અંશ મળતાં શાકભાજીના વેપારીઓની પૂછપરછ કરતી પોલીસની ટીમ નાશિક પહોંચી હતી.
હાલમાં વટાળાનો જથ્થાબંધ માલ હિમાચલ પ્રદેશના શિમલાથી આવતો હોવાનું જણાતાં પોલીસની ટીમ ત્યાં ગઈ હતી. ગૂણી પરના માર્કને આધારે પોલીસે સંબંધિત વેપારીને શોધી કાઢ્યો હતો. શિમલાના વેપારી પાસેથી જથ્થાબંધ વટાણા વાપીના શાકભાજીના વેપારીને મોકલવામાં આવતા હોવાનું જણાયું હતું.
પોલીસે વાપીમાં તપાસ કરી મહિલાની તસવીર સાથેનાં પેમ્ફલેટ ઠેકઠેકાણે લગાવ્યાં હતાં. તલાસરીના એક રહેવાસીએ મહિલાને દહાણુમાં મહાલક્ષ્મીના મંદિરમાં જોઈ હોવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે મંદિરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં મહિલાને એક કારમાં લવાઈ હોવાનું નજરે પડ્યું હતું. એ કારના નંબરને ટ્રેસ કરતાં તે વાઘમારેની હોવાનું માલૂમ પડ્યું હતું. આખરે પોલીસ વાઘમારે અને તેના બન્ને સાથીઓ સુધી પહોંચી હતી.