ટ્રેનમાં બાળક છોડી ફરાર થયેલી મહિલા સીસીટીવીમાં ઝડપાઈ મુંબઈ સમાચાર

ટ્રેનમાં બાળક છોડી ફરાર થયેલી મહિલા સીસીટીવીમાં ઝડપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ જતી હાર્બર લાઈનની લોકલ ટ્રેનમાં કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી રફુચક્કર થઈ ગયેલી મહિલા સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ હતી. પોલીસે એ મહિલાની તસવીર જાહેર કરી તેની શોધ હાથ ધરી હતી.

વાશી રેલવે પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણ ઉન્દ્રેએ જણાવ્યું હતું કે કૉલેજની વિદ્યાર્થિનીઓ દિવ્યા નાયડુ અને ભૂમિકા માને જુઈનગર સ્ટેશને ઊતરવાની હતી. તે સમયે ટ્રેનના દરવાજા પાસે બાળક સાથે બેસેલી મહિલાએ તેને સીવૂડ સ્ટેશને ઊતરવાનું હોવાનું કહ્યું હતું. પોતાની પાસે વધારે સામાન હોવાથી બાળક સાથે સ્ટેશને ઊતરવામાં તકલીફ પડશે કહીને મહિલાએ વિદ્યાર્થિનીઓને મદદ કરવાનું કહ્યું હતું.

મહિલાને મદદ કરવા માટે બન્ને વિદ્યાર્થિનીએ જુઈનગર સ્ટેશનને બદલે સીવૂડ સ્ટેશને ઊતરવાનું નક્કી કર્યું હતું. સીવૂડ સ્ટેશન નજીક ટ્રેન પહોંચી ત્યારે મહિલાએ વિદ્યાર્થિનીને તેનો બાળક સોંપ્યો હતો અને પ્લૅટફોર્મ પર ઉતારી આપવાની વિનંતી કરી હતી. જોકે સીવૂડ સ્ટેશને બન્ને વિદ્યાર્થિની બાળક સાથે ઊતરી ત્યારે મહિલા એ સ્ટેશને ઊતરી જ નહીં અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી.

ડરી ગયેલી બન્ને વિદ્યાર્થિનીએ પોલીસની મદદ લીધી હતી. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહિલા સાનપાડા સ્ટેશનેથી ટ્રેનમાં ચઢી હતી. પોલીસે સાનપાડા સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં મહિલા નજરે પડી હતી. તસવીરને આધારે પોલીસ હવે મહિલાની શોધ ચલાવી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button