આમચી મુંબઈ

એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કરી બળાત્કાર ગુજારાયો

થાણે: કુર્લાથી નીકળેલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કર્યા પછી તેની સાથે કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાની ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું.

સિનિયર ઈન્સ્પેક્ટર અર્ચના ધુસાનેએ જણાવ્યું હતું કે ઘટના માર્ચ મહિનામાં બની હતી. જોકે ફરિયાદ મોડી નોંધાવતાં થાણે જીઆરપીએ ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ 328 અને 376 હેઠળ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલા 10 માર્ચે ઉત્તર પ્રદેશ જતી તુલસી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહી હતી. અજાણ્યા શખસે ઘેનયુક્ત વસ્તુ ખવડાવવાને કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. બેભાન મહિલા સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
મહિલાએ દાવો કર્યો હતો કે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી ઊપડેલી ટ્રેન થાણે રેલવે સ્ટેશન પહોંચી એ દરમિયાનના 40 મિનિટમાં તેના પર જાતીય હુમલો થયો હતો.

જોકે ઘટનાના 39 દિવસ પછી મહિલાએ એપ્રિલમાં મધ્ય પ્રદેશની ગ્વાલિયર જીઆરપીનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ગ્વાલિયરથી છેક 21 દિવસે ફરિયાદ થાણે જીઆરપીમાં મોકલવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસને એલટીટી પરથી કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યાં નથી. તુલસી એક્સપ્રેસ અને એ જ સમયે એલટીટીથી ઊપડેલી અન્ય બે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટની પોલીસ તપાસ કરી રહી છે. મોબાઈલ ફોનના કૉલ રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી છે અને ટેક્નિકલ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button