કુર્લાના સ્કાયવૉક પર મહિલાનો વિનયભંગ: લોકોએ ધિબેડી નાખતાં આરોપી હૉસ્પિટલમાં
મુંબઈ: કુર્લામાં સ્કાયવૉક પરથી પસાર થનારી મહિલાનો કથિત વિનયભંગ કરનારા આરોપીને રાહદારીઓએ ધિબેડી નાખતાં તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ ગણેશ પ્રસાદ (42) તરીકે થઈ હતી. ખારમાં રહેતા પ્રસાદને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુંબ્રામાં સગીરાનો વિનયભંગ: વૃદ્ધ સામે ગુનો
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. 34 વર્ષની મહિલા ચુનાભટ્ટી રેલવે સ્ટેશને ઊતર્યા પછી એલબીએસ રોડ તરફ સ્કાયવૉક પરથી ચાલતી જઈ રહી હતી. અંધારાનો લાભ ઉઠાવી આરોપીએ મહિલાને પાછળથી જકડી લઈ તે તેની પત્ની હોવાનું કહેવા લાગ્યો હતો.
મહિલાએ બૂમાબૂમ કરવા છતાં આરોપીએ તેને છોડી નહોતી અને વાળ પકડીને વધુ પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મહિલાની બૂમો સાંભળી કેટલાક રાહદારીઓ તેની મદદે આવ્યા હતા અને આરોપીને ધિબેડી નાખ્યો હતો.
બનાવની જાણ થતાં ધારાવી અને કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આરોપી પ્રસાદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાહદારીઓની પીટાઈથી જખમી પ્રસાદને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)