આરબીઆઇ કર્મચારીના સ્વાંગમાં મહિલાએ કરી દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની કર્મચારી હોવાનું બતાવીને મહિલાએ લાલબાગ વિસ્તારમાં રહેતા તેના દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી કરી હતી. બેન્ક બોન્ડ્સમાં રોકાણ પર માસિક રૂ. બે લાખના વળતરની લાલચ મહિલાએ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડમાંથી નિવૃત્ત થયેલા ગોવિંદ રાણેનો પુત્ર દિવ્યાંગ છે. 2014માં પત્નીના નિધન બાદ પિતા અને પુત્ર અનુક્રમે ગોરાઇ તેમ જ વિરાર ખાતે આશ્રમોમાં રહે છે. રાણેને તેના પુત્રના ભવિષ્યની હંમેશાં ચિંતા રહેતી હતી અને તેની સંભાળ માટે નિશ્ર્ચિત આવક મળતી રહે એવું તે ચાહતો હતો.
2016માં એક કાર્યક્રમમાં રાણેની મુલાકાત મૃદુલા કિરણ સુર્વે ઉર્ફે મૃદુલા અરાવી ઓમકાર ભોસલે (34) સાથે થઇ હતી. ત્યારે મૃદુલાએ પોતાની ઓળખ આરબીઆઇની કર્મચારી તરીકે આપી હતી. મૃદુલાએ તેને કહ્યું હતું કે આરબીઆઇએ એક યોજના રજૂ કરી છે, જેમાં રોકાણ કરતાં માસિક રૂ. બે લાખ વળતર મળશે અને આ રીતે તેમનો રોજનો ખર્ચ નીકળી શકશે તેમ જ પુત્રનું ભવિષ્ય પણ સુરક્ષિત બની જશે, એમ કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
બાંદ્રાના ખેરવાડીમાં રહેતી મહિલા પર વિશ્ર્વાસ રાખી ફરિયાદીએ આરંભમાં તેના થકી આરબીઆઇ બોન્ડ્સ અને શેર્સમાં રૂ. 22 લાખનું રોકાણ કર્યું હતું.
2017થી 2023 સુધી મહિલાએ આરબીઆઇ બોન્ડ્સમાં રોકાણને નામે રૂ. 96 લાખ પડાવ્યા હતા. ફરિયાદી વળતર માગવા લાગ્યો ત્યારે મહિલાએ પાંચ પોસ્ટ-ડેટેડ ચેક આપ્યા હતા, પરંતુ તે બાઉન્સ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાએ બાદમાં અમુક લોકોને આરબીઆઇ અધિકારી હોવાની ઓળખ આપીને ફરિયાદીને કૉલ કરવા અને તેમનાં નાણાં સુરક્ષિત છે તથા વધી રહ્યાં છે એવું દર્શાવવા માટે બોગસ શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબૂક્સ બતાવી હતી. ઉપરાંત ફરિયાદીને કહ્યું હતું કે તમારા પુત્ર સહિત નજીકના સંબંધીઓ સાથે રોકાણ વિશે વાત કરશો નહીં. ફરિયાદીએ પોતાની તમામ બચત અને નિવૃત્તિનાં નાણાં મહિલાને આપી દીધાં હતાં. હવે તે અને પુત્ર માસિક રૂ. 30 હજારના પેન્શન પર જીવી રહ્યા છે. સોમવારે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.