ડોંબિવલીમાં ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં મહિલાનું મોત, પતિ ઘાયલ

થાણે: ડોંબિવલીમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં 52 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઘાયલ થયો હતો. વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ સ્નેહા દાભિલકર તરીકે થઇ હતી.
સ્નેહા અને તેનો પતિ વિદેશ પ્રવાસ પર જવાની યોજના બનાવી રહ્યાં હતાં. આથી તેઓ રવિવારે પાસપોર્ટ સંબંધી કામ પતાવવા માટે બાઇક પર નીકળ્યાં હતાં.
કામ પત્યા બાદ તેઓ બાઇક પર પાછી ફરી રહ્યાં હતાં ત્યારે વિરુદ્ધ દિશાથી આવેલા ડમ્પરે તેમની બાઇકને ટક્કર મારી હતી. આથી બંને પર રસ્તા પર પટકાયાં હતાં અને ડમ્પરનું ટાયર સ્નેહા પર ફરી વળ્યું હતું, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
અકસ્માતમાં ઘવાયેલા સ્નેહાના પતિને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સ્નેહાનો પતિ મહાનગરપાલિકામાં કામ કરતો હતો અને તાજેતરમાં તે નિવૃત્ત થયો હતો. સ્નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે ડમ્પરના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)