આમચી મુંબઈ

બોગસ પાસપોર્ટની મદદથી ઓમાન જતી મહિલા ઍરપોર્ટ પર પકડાઈ

મુંબઈ: બોગસ ભારતીય પાસપોર્ટની મદદથી ઓમાન જઈ રહેલી નેપાળી મહિલાની મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.

મસ્કતની ફ્લાઈટ પકડવા માટે મહિલા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના ઈમિગ્રેશન કાઉન્ટર પર ગઈ હતી. તેણે પોતાની ઓળખ કાજલ તરીકે આપી ભારતીય પાસપોર્ટ બતાવ્યો હતો. પાસપોર્ટમાં મહિલાનું જન્મસ્થળ હિમાચલ પ્રદેશના નોહરા નોંધવામાં આવ્યું હતું, એવું સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

જોકે ચહેરા પરથી મહિલા નેપાળી હોવાનું જણાતાં ઈમિગ્રેશન અધિકારીને શંકા ગઈ હતી. પરિણામે સત્તાવાળાઓએ ખાતરી કરવા મહિલાની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું હતું કે તે ભારતીય નહીં, નેપાળી નાગરિક છે.

અધિકારીએ જણાવ્યું હતું કે વધુ પૂછપરછમાં મહિલાએ તેનું ખરું નામ કાજલ લામા હોવાનું કહ્યું હતું. તે નેપાળના પારસા જિલ્લાની વતની હોવાનું પણ મહિલાએ કબૂલ્યું હતું.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે વર્ષો પહેલાં તેના વડીલો નેપાળથી હિમાચલ પ્રદેશ આવીને વસ્યા હતા. આ પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરી તેણે હિમાચલના બનાવટી સરનામા પર આધાર કાર્ડ, પેન કાર્ડ અને બોના ફાઈડ સર્ટિફિકેટ મેળવ્યાં હતાં. પછી શિમલાની પાસપોર્ટ ઑફિસમાંથી તેણે ભારતીય પાસપોર્ટ પ્રાપ્ત કર્યો હતો.

પૂછપરછમાં મહિલાની હકીકત જાણ્યા પછી સહાર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ઈમિગ્રેશન અધિકારીની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

આપણ વાંચો:  મહિલાની હત્યા બાદ મૃતદેહ સૂટકેસમાં ભરીને ખાડીમાં ફેંક્યો: લિવ-ઇન પાર્ટનરની ધરપકડ

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button