આમચી મુંબઈમહારાષ્ટ્ર

યુતિમાં નવાબ માલિકને નહીં લેવા ફડણવીસ મક્કમ, અજિત પવારની હિલચાલથી રાજકારણ ગરમાયું

મુંબઇ: મહારાષ્ટ્ર હવે રાજકીય ઉથલ પાથલ માટે જાણીતું બની ગયું છે. અહીંના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એ કહી ના શકાય. હાલમાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકને યુતિમાં સામેલ કરવા માટે નકાર આપ્યો હતો.

આ નિર્ણય બાદ યુતિમાં ભંગાણ પડશે એવી અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસના નકાર બાદ અજિત પવાર બંધ બારણે નવાબ મલિક સાથે બેઠક યોજી રહ્યાં હોવાની વિગતો સૂત્રોમાંથી મળી રહી છે. ત્યારે ફરી એકવાર મહાયુતિમાં ભંગાણના એંધાણની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવાબ મલિક આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળવા તેમના નિવાસસ્થાન દેવગિરીમાં દાખલ થયા છે. આ મુલાકાતનું કારણ પહેલાં તો કોઇને સમજાયું નહતું. નવાબ મલિક પહેલાં અજિત પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે પણ દેવગિરી પહોંચ્યા હતાં. તેથી આ ત્રણે નેતાઓની વચ્ચે મહત્વની બેઠક યોજાનાર છે તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.


નવા મલિક એક વર્ષ કરતાં વધુ સમય માટે જેલમાં હતાં. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં તેમની અટક કરી હતી. મલિક જેલમાં બીમાર પડ્યા હતાં. તેમની સારવાર માટે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતાં. ત્યાર બાદ નવાબ મલિક શિયાળુ સત્રના પહેલા દિવસે નાગપુરના વિધાન ભવનમાં દેખાયા હતાં.

તે વખતે નવાબ મલિક રાષ્ટ્રવાદીના કયા જૂથમાં સામેલ થશે તે અંગે અનેક અટકળો થઇ રહી હતી. અજિત પવાર વિધી મંડળમાં સત્તાધારી અજિત પવાર જૂથની બેન્ચ પર બેઠા હતાં. તેમણે અજિત પવાર જૂથને સપોર્ટ કર્યો હોવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણે નવો જ વળાંક લીધો હતો.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખી દેશદ્રોહનો આક્ષેપ જેની પર હોય એવી વ્યક્તિને અમે મહાયુતિમાં સામેલ નહીં કરી શકીએ એમ જણાવ્યું હતું. તમારે કોઇ પણ નિર્ણયને કારણે મહાયુતિ સામે પ્રશ્નો ઊભા થાય એવું કંઇ ના કરતાં એમ પણ તેમણે પત્રમાં લખ્યું હતું. ફડણવીસે આ પત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


ત્યારે અજિત પવારે નવાબ મલિક માત્ર તેમને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે હવે દેવગિરી પર નવાબ મલિકની એન્ટ્રીએ ફરી પ્રશ્નો ઊભા કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?