સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો
થાણે: સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણને કોલ્હાપુરમાં જમીન અપાવવાને બહાને રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારા નવી મુંબઈના શખસની ધરપકડ કરવામાં આવી હતી.
કોપરખૈરાણે વિસ્તારમાં રહેતો આરોપી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં કોન્ટ્રેક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.
કોન્ટ્રેક્ટ પૂરો થયા બાદ આરોપીએ સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, એમ સીબીડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગિરિધર ગોરેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: “લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….
પીડિત બંને જણ કોલ્હાપુરના રહેવાસી હોઇ નવી મુંબઈના સરકારી ઓફિસમાં એપ્રિલ, 2022માં તેમની મુલાકાત આરોપી સાથે થઇ હતી. આરોપીએ તેમને જિલ્લામાં વનવિભાગની 500 એકર જમીન મેળવી આપવામાં મદદ કરવાનો દાવો કર્યો હતો.
બંનેનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે આરોપીએ વનવિભાગનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ દેખાડ્યું હતું અને જમીન સંબંધમાં કોર્ટનો બનાવટી આદેશ પણ તૈયાર કર્યો હતો.
આરોપીએ બંને જણ પાસેથી રૂ. 80 લાખ લીધા હતા. જોકે તેમને જમીન મેળવી આપી નહોતી અને પૈસા પણ પાછા કર્યા નહોતા.
છેતરાયેલા બંને જણે આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)