સ્નિફર ડોગની મદદથી પોલીસ ગુમ થયેલા બાળક સુધી પહોંચી….
મુંબઈઃ પોલીસ વિભાગમાં શ્ર્વાનની એક મહત્વની કામગીરી હોય છે. શ્ર્વાનની વફાદારી વિશે તો આપણે સહુ કોઇ જાણીએ છીએ. અને એટલે જ પોલીસ વિભાગ અને સેનામાં પણ શ્ર્વાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેને સ્નિફર ડોગ કહેવામાં આવે છે.
સ્નિફર ડોગ કેટલીકવાર પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ મદદનીશ બની જાય છે. મુંબઈ પવઈ વિસ્તારમાંથી 24 નવેમ્બરની સાંજે અંધેરી ઈસ્ટના અશોક નગરમાંથી છ વર્ષીય બાળક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોનું કહેવું હતું કે તે તેના મિત્રો સાથે રમવા ગયો હતો પરંતુ મોડા સુધી ઘરે ના આવતા નજીકમાં ઘણી શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પવઇ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હોવાથી ત્યાં સીસીટીવીની કોઇ સગવડ નહોતી.
પોસીસને ઘટનાની જાણ થતા તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને તપાસ માટે પોલીસે સ્નિફર ડોગની મદદ લીધી હતી. જેમાં પોલીસે ગુમ થયેલા બાળકને શોધી કાઢવા માટે તરત જ ડોગ સ્ક્વોડને બોલાવી અને તે દિવસે છોકરાએ જે ટી-શર્ટ પહેરી હતી તેની ગંધના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
પોલીસ સ્નિફર ડોગને પહેલા તે બાળકના ઘરમાં લઈ ગઈ જ્યાં છોકરો રહેતો હતો. જ્યાં સ્નિફર ડોગે બાળકની તમામ વસ્તુઓની સ્મેલ કરી અને પછી એ સ્મેલના આધારે બાળકની શોધખોળ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ ગુમ થયેલ બાળક તે જ વિસ્તારમાં આંબેડકર ઉદ્યાનના અશોક ટાવર વિસ્તારમાંથી મળી આવ્યું હતું. અને ત્યાં સુધી સ્નિફર ડોગની મદદથી જ પહોંચી શકાયું હતું. જો કે બાળક પર વાગ્યાનું કે બીજું કોઇ નિશાન નહોતું પરંતુ બાળક ત્યાં કેવી રીતે પહોંચ્યું તેની પવઇ પોલીસ તપાસ કરી રહી છે.