દીઘા સ્ટેશનનું ઉદ્ઘાટન થતાં થાણેવાસીઓની આ સમસ્યા થશે દૂર?
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી મુંબઈમાં દીઘા સ્ટેશનની સાથે ખારકોપરથી ઉરણ આ માર્ગમાં રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નવી મુંબઈ નજીક ત્રીજી મુંબઈ વિકસાવવાના પ્લાનની શરૂઆત ગઈ કાલના ઉદ્ઘાટન કાર્યક્રમથી થઈ ગઈ છે.
પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા દેશનો સૌથી મોટો અટલ સેતુ બ્રિજ ઐરોલી-કલવા લિન્ક અને નેરુલ-ઉરણ રેલવે માટે મદદરૂપ સાબિત થશે. ઐરોલી-કલવા લિન્ક આ પ્રોજેકટ હજી સુધી પૂર્ણ થયો નથી, પણ ત્રીજી મુંબઈની આ યોજના હેઠળનો એક ભાગ એટ્લે કે દીઘા સ્ટેશન શરૂ કર્યું છે. નવા શરૂ કરવામાં આવેલા દીઘા સ્ટેશનને લીધે મધ્ય રેલવેના થાણે સ્ટેશન પરની ભીડમાં ઘટાડો થવાની શક્યતા છે.
મધ્ય રેલવેના થાણે સ્ટેશન પરથી પનવેલ જવા માટે ટ્રાન્સ હાર્બર માર્ગની લોકલ ટ્રેન મળે છે. થાણે આ મધ્ય રેલવેનું વચ્ચેનું સ્ટેશન હોવાથી આ સ્ટેશન પર કલ્યાણ, સીએસએમટી અને નવી મુંબઇ જનારા પ્રવાસીઓ પણ આવતા સ્ટેશન પર ભારે ભીડ સર્જાય છે. પણ ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવેલા દીઘા સ્ટેશનને ટ્રાન્સ હાર્બર લાઇનમાં જોડવામાં આવતા આ વિસ્તારના પ્રવાસીઓને થાણે આવીને ટ્રેન પકડવાની જરૂર નહીં પડે. આ પહેલા પ્રવાસીઓને નવી મુંબઈ જવા માટે થાણેથી ટ્રાન્સ હાર્બર લોકલ સિવાય બીજો કોઈ પર્યાય ઉપલબ્ધ નહોતો. આ સાથે થાણે સ્ટેશન પર થતી ભીડને રોકવા માટે કલવા-ઐરોલી એલિવેટેડ રેલવે માર્ગ પણ વિકસાવવામાં આવવાનો છે.
ટ્રાન્સ હાર્બર માર્ગના બેલાપુરથી ઉરણ ટ્રેન સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. બેલાપુર-ઉરણ માર્ગ પર પીક અવર્સ દરમિયાન દર અડધા કલાકે અને નોન પીક અવર્સમાં દર બે કલાકે ટ્રેનોની સેવા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં આ લાઇનમાં દિવસ દરમિયાન અપ અને ડાઉન માર્ગમાં 20-20 સેવાઓ શરૂ કરવામાં આવી છે.
પીક અવર્સ દરમિયાન ઉરણથી બેલાપુર-નેરુળની દિશામાં દર અડધા કલાકમાં અને નોન પિક અવર્સમાં દર એક કલાકની ગેપ બાદ ટ્રેનો સ્ટેશન પર આવે છે તેમ જ બેલાપુરથી ઉરણ વચ્ચે પીક અવર્સમાં એક કલાકે અને નોન પિક અવર્સમાં બે કલાકે ટ્રેન મળે છે. ઉદ્ઘાટન થયા બાદ મધ્ય રેલવેના ટ્રાન્સ હાર્બર માર્ગમાં હવે દીઘા આ નવા રેલવે સ્ટેશનને પણ સામેલ કરવામાં આવ્યું છે. આ માર્ગ પર રોજે 232 ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ માર્ગ પર આજથી ટ્રેનોની સેવાને શરૂ કરવામાં આવી છે. દીઘા સ્ટેશનનો પૂર્ણ ઉપયોગ ઐરોલી-કલવા લિન્ક પ્રોજેકટનું કામ પૂર્ણ થયા બાદ થશે. ઐરોલી-કલવા પ્રોજેકટનું 45 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આ કામો માટે 0.57 હેક્ટર જેટલી જમીન અધિગ્રહણ બાકી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.