શું હોમ લોનના વ્યાજ પર સબસિડી મળશે? સત્તામાં પુનરાગમન બાદ પીએમ મોદીનો 100 દિવસનો પ્લાન શું છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખને ફક્ત 10 દિવસ બાદી છે તો બીજી તરફ ભાજપ સત્તામાં પુનરાગમન બાદના વિકાસ કામોનું નિયોજન પણ શરૂ થઈ ગયું છે. સમાચાર છે કે સત્તામાં પુનરાગમન બાદ પીએમ મોદીએ પોતાની સરકારના પ્રથમ 100 દિવસનો એજન્ડા નક્કી કરી નાખ્યો છે.
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 10 દિવસ દૂર છે અને બધા જ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મિશનમાં વ્યસ્ત છે. મોદીએ વિવિધ મંત્રાલયોને નવી સરકાર માટે 100 દિવસની યોજના તૈયાર કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં મંત્રાલય ઘણી લોકભોગ્ય યોજનાઓની પહેલ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારતીય રેલ્વે મુસાફરો માટે 24-કલાકની રિફંડ યોજના શરૂ કરવાની યોજના બની રહી છે. હાલમાં, ટિકિટ કેન્સલેશનનું રિફંડ મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે. આ ઉપરાંત રેલવે મુસાફરો માટે ટિકિટિંગ અને ટ્રેન ટ્રેકિંગ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે સુપર એપ શરૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.
હોમ લોનના વ્યાજ પર સબસિડી
હાઉસિંગ મંત્રાલય કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત શહેરી આજીવિકા મિશનનો બીજો તબક્કો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય સ્વ-સહાય જૂથો દ્વારા ગરીબોને લોન આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. મહિનાઓની ચર્ચા પછી શહેરી ગરીબો માટે હોમ લોન માટે વ્યાજ સબસિડી યોજના શરૂ કરવા માંગે છે. આની જાહેરાત પીએમ મોદીએ 15 ઓગસ્ટે કરી હતી. તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કેબિનેટ સચિવ તેમની સમીક્ષા કરી રહ્યા છે. નવી સરકારના પ્રથમ ત્રણ મહિના માટે નિર્ધારિત લક્ષ્યાંકોની વિગતોમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ અને આયોજનનો સમાવેશ થાય છે.
રેલવે મુસાફરો માટે વીમો
એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં કરાયેલા દાવા અનુસાર, રેલવેએ પ્રવાસીઓ માટે વીમા યોજના, પીએમ રેલ યાત્રી વીમા યોજના શરૂ કરવાનો અને પ્રથમ 100 દિવસ દરમિયાન કુલ 40,900 કિલોમીટરની લંબાઈવાળા ત્રણ આર્થિક કોરિડોર માટે કેબિનેટની મંજૂરી મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે 11 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. રેલવે ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટની પૂર્ણાહુતિ સાથે જમ્મુથી કાશ્મીર સુધી ટ્રેનો ચલાવવાનું પણ આયોજન કરી રહી છે. જે દેશની મુખ્ય ભૂમિને રામેશ્વરમ સાથે જોડતો ભારતનો પ્રથમ વર્ટિકલ-લિફ્ટ બ્રિજ પમ્બન રેલ્વે બ્રિજ પણ કાર્યરત થશે.
સૂત્રોએ જણાવ્યું કે રેલવે વંદે ભારત ટ્રેનની સ્લીપર ટ્રેન રજૂ કરવા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે યોજના મુજબ 508 કિમી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વિભાગમાંથી લગભગ 320 કિમીનો ભાગ એપ્રિલ 2029 સુધીમાં કાર્યરત થઈ જશે.
માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની કેશલેસ સારવાર
માર્ગ પરિવહનના મોરચે હાઇવે મંત્રાલય માર્ગ અકસ્માત પીડિતો (મફત તબીબી સંભાળ) માટે કેશલેસ યોજના શરૂ કરવાની અને વધુ અકસ્માત-સંભવિત વિસ્તારોને ઠીક કરવાની યોજના ધરાવે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય પ્રથમ ત્રણ મહિનામાં ચાર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની પણ યોજના ધરાવે છે.