અજિત પવારની નાવડી પણ હાલક ડોલક?
શરદ પવારને મળતા અટકળો શરૂ, પણ શું કાકા પક્ષમાં પાછા લેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ વિધાનસભાની ચૂંટણી પહેલા ખૂબ જ ગરમાયું છે અને એક બાજુ અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળ શરદ પવારનો હાથ થામશે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે અજિત પવાર પોતે શરદ પવારને મળતા તે કાકા શરદ પવારની સાથે પાછા જોડાશે કે શું તેવા પ્રશ્ર્નો પણ પૂછાઇ રહ્યા છે. એવામાં શરદ પવારે પણ આ સવાલનો ગૂઢ જવાબ આપ્યો હતો અને કંઇપણ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
જોકે છગન ભુજબળ સામેના ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના કેસને પગલે તેમને ભાજપનો સાથ છોડવું પરવડશે કે નહીં તે પ્રશ્ર્ન છે ત્યારે શું શરદ પવાર અજિત પવારને પાછા પોતાની સાથે લેવા માટે સંમત થશે કે નહીં એ પ્રશ્ર્ન પણ પૂછાઇ રહ્યો છે.
શરદ પવારને જ્યારે તે અજિત પવારને પાછા પક્ષમાં લેશે કે નહીં એવો પ્રશ્ર્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ઘરમાં બધા માટે જ સ્થાન છે, પરંતુ પક્ષમાં બધા માટે સ્થાન હોઇ શકે? તેનો નિર્ણય હું વ્યક્તિગત રીતે ન લઇ શકું. મારા બધા જ સહકારી મારી સાથે સંઘર્ષના સમયમાં મક્કમ ઊભા રહ્યા હતા એટલે તેમની સાથે ચર્ચા કરીને જ આ અંગે નિર્ણય લઇ શકાય, એમ પવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપના ધબડકાનું કારણ અજિત પવાર સાથે જોડાણ,આરએસએસના સાપ્તાહિકમાં પવાર પર હારનું નાળિયેર ફોડાયું
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જોખમ લેશે?
હાલમાં જ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)થી સંલગ્ન એક સાપ્તાહિકમાં છપાયેલા લેખ અનુસાર લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધબડકાનું કારણ અજિત પવાર સાથે હાથ મિલાવ્યા તે હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓ પણ અજિત પવારના મહાયુતિમાં સામેલ થવાથી નારાજ હોવાની જોરદાર ચર્ચા અજિત પવાર મહાયુતિમાં જોડાયા ત્યારથી જ ચાલી રહી હતી. એવામાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ અજિત પવારનો સાથ કાયમ રાખવાનું જોખમ લેશે કે પછી અજિત પવાર અને આરએસએસની ભાવનાઓને ધ્યાનમાં લેશે તે પણ જોવું રહ્યું.