આનંદો, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાફુસની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવશે?
છત્રપતિ સંભાજીનગરઃ કેરીપ્રેમીઓ માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કેસર આંબાના ઝાડ પર મહોર આવવાની શરૂઆત થઈ ગઈ છે.
નિષ્ણાતોના મતે આવું પહેલી જ વખત બન્યું હોઈ દોઢ મહિના પહેલાં જ આંબા પર મહોર આવી જતા હાપુસ કેરીની સાથે સાથે જ ફેબ્રુઆરીમાં જ કેસર કેરી બજારમાં આવી શકે છે. ઓક્ટોબર મહિનામાં કેસરના આંબા પર મહોર આવવા માટે આ વર્ષે જુલાઈ-ઓગસ્ટ મહિનાના વરસાદને કારણ માનવામાં આવે છે.
કેસર કેરીના ઝાડ પર કોંકણ સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રમાં સામાન્યપણે ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં મહોર આવે છે. કેસર કેરી 15થી 20મી મેની વચ્ચે બજારમાં આવે છે અને 15થી 20મી જુન સુધી બજારમાં જોવા મળે છે. પરંતુ હવે જે નવું કલ્ટાર આપવાની ટેક્નિક ડેવલપ કરવામાં આવી છે એ અનુસાર જુલાઈ મહિનાના અંત સુધી ઓગસ્ટમાં કેસર કેરીના ઝાડ પર નવેમ્બરના બીજા પખવાડિયામાં મહોર આવે છે અને એના પર ફળ એપ્રિલ મહિનાના પહેલાં અઠવાડિયામાં ઉતારવાની શરૂઆત કરવામાં આવે છે.
પરંતુ આ વર્ષે કુદરતની કરામત કે વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે વિદર્ભ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્રમાં કેસર કેરીના ઝાડ પર ઓક્ટોબરની શરૂઆતમાં જ મહોર આવી ગયા છે. આ વર્ષે એક-દોઢ મહિના પહેલાં જ મહોર આવી જતા ફેબ્રુઆરી મહિનામાં જ હાફુસ કેરીની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવી જશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાફુસની પહેલી પેટીનો ભાવ આશરે 10થી 15 હજારની વચ્ચે હોય છે. પરિણામે કેસર જલદી આવતી જતાં એને પણ સારો ભાવ મળે એવી આશા બગીચાના માલિકો દ્વારા સેવાઈ રહી છે. કેસર કેરી વહેલી આવી જતાં કેરીરસિયાઓ ચોક્કસ જ આનંદમાં આવી જશે.