તો રાજકારણ છોડી દઈશ: અજિત પવાર

નાશિક: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે કહ્યું હતું કે ભાજપ સાથે રાજ્યમાં જોડાણ કરવા પહેલાં વેષાંતર કરીને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાના આરોપો પૂરવાર થશે તો તેઓ રાજકારણ છોડી દેશે, પરંતુ જો આ આરોપો ખોટા પૂરવાર થાય તો જે લોકોએ આવા આક્ષેપો કર્યા છે તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ એવો પડકાર ફેંકતા તેમણે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનના નેતાઓ તેમની બદનામી કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે અજિત પવારે પોતે જ જણાવ્યું હતું કે દિલ્હીમાં અમિત શાહ સાથેની કેટલીક મુલાકાતો માટે વિમાનમાં જતી વખતે હુ માસ્ક પહેરી લેતો અને માથા પર કેપ પહેરી લેતો હતો. વિમાન પ્રવાસ વખતે નામ પણ બદલી નાખતો હતો. આ જ કથિત નિવેદનો પર આધાર રાખીને શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) દ્વારા તેમની ટીકા કરવામાં આવી રહી છે.
શુક્રવારે આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે હુ રાજકારણ કશું જ છાનુંછપનું રાખીને કરતો નથી. હું એક કાર્યકર્તા છું જે લોકશાહીમાં કામ કરે છે. મારે કશું છાનુંછપનું રાખીને રાજકારણ કરવાની આવશ્યકતા નથી. વિપક્ષો દ્વારા ખોટા નેરેટિવ સેટ કરીને તેમ જ ખોટા અહેવાલો ફેલાવીને અમારી બદનામી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું.
વિપક્ષોએ આવી પ્રવૃત્તિઓ આચરવાનું એટલા માટે ચાલુ કરી દીધું છે કેમ કે અત્યારની રાજ્ય સરકાર દ્વારા જે લોક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે તેનાથી તેમનામાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે: સંજય રાઉત
હું વેષાંતર કરીને દિલ્હીની મુલાકાત લેતો હતો એવા અહેવાલો સાવ જ ખોટા છે. જો મારે કશે પણ જવું હોય તો હું ઉઘાડેછોગ જઈશ. મારે કોઈનાથી ડરવાની કોઈ જ આવશ્યકતા નથી. જો વેષાંતર કરીને દિલ્હી જવાની વાત પૂરવાર થશે તો હું રાજકારણ છોડી દઈશ.
સચ્ચાઈની ચકાસણી સંસદમાં કરવામાં આવે. જો આરોપો સાચા સિદ્ધ થશે તો હું રાજકારણ છોડી દઈશ, પરંતુ જો આરોપો ખોટા હોવાનું સિદ્ધ થાય તો જે લોકો કોઈપણ પુરાવા કે સચ્ચાઈ વગર આવા આક્ષેપો કરી રહ્યા છે તેમણે પણ રાજકારણ છોડી દેવું જોઈએ.
જ્યારે આ બનાવ બન્યા હતા ત્યારે હું મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા હતો. બધા જ મને ઓળખે છે અને તેથી આવું બને તે અશક્ય છે. અત્યારે જે બધું ચાલી રહ્યું છે તે બધું જ ખોટું છે. આ અહેવાલોમાં કોઈ તથ્ય કે પુરાવા નથી. અત્યારે રાજ્યમાં મને બદનામ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વાચાળ લોકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. સવારનું ભૂંગળું કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ વાત કરતું હોય છે.
રાજ્ય સરકારે લાંબો વિચાર કર્યા બાદ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાને કાયમી ધોરણે કેવી રીતે ચલાવી શકાય તેની નક્કર યોજના છે. લોકોએ અમારામાં વિશ્ર્વાસ રાખવો જોઈએ. હું મારા વચન પાળીને બતાવીશ. તમારા આશીર્વાદ આપો અને આ બધી યોજનાઓ ચાલુ રહેશે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)