આમચી મુંબઈ

મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિ જોવા મળશે ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધને કારણે મુંબઈ શહેરના મોટા ભાગના મૂર્તિકારો નવરા થઈ ગયા છે અને બીજી તરફ ગણેશમંડળો પીઓપીની મૂર્તિને પરવાનગી આપે તો બૂકિંગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં આ અંગેની પિટિશન પર સુનાવણી થવાની છે, જેના પર બધા મીટ માંડીને બેઠા છે. આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે કોઈ ચુકાદો આવે એવી શક્યતા ધૂંધળી છે અને આ સોમવારે ચુકાદો ન આવે અને એકાદ મહિનો સુનાવણી ખેંચાઈ જાય તો પીઓપીની મૂર્તિઓ તૈયાર ગણેશોત્સવ પહેલાં તૈયાર થઈ શકશે નહીં, આવી સ્થિતિમાં મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિઓ જોવાથી વંચિત રહી જવાની શક્યતા જોવાઈ રહી છે.

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને મુદ્દે બોમ્બે હાઈ કોર્ટમાં ચાલી રહેલી પિટિશન સોમવારે કોર્ટમાં સુનાવણી થવાની છે. આ વર્ષે ગણેશોત્સવ ૨૭ ઑગસ્ટથી શરૂ થવાનો હોવાથી મૂર્તિકારોને મૂર્તિ બનાવવામાં માટે સમય બહુ ઓછો મળવાનો હોવાથી આજની સુનાવણી દરમ્યાન કોર્ટ નિર્ણય લેશે? પછી સુનાવણી મોકૂફ રાખે છે તેના પર મૂર્તિકારો સહિત તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની નજર છે. મંડળોને પણ પીઓપીની મૂર્તિને બદલે ઊંચાઈથી લઈને અનેક બાબતોને ધ્યાનમાં રાખીને શાડુની મૂર્તિનો વિકલ્પ પસંદ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડવાનો છે, તેથી તેમની ચિંતા પણ વધી ગઈ છે. તો મૂર્તિકારોને પણ ચુકાદો સોમવારે આવવાને બદલે જો લંબાઈ જાય તો શું કરવું તેની ચિંતા સતાવી રહી છે અને જો કોર્ટ પીઓપીને શરતોની સાથે મંજૂરી આપે છે તો પણ ઓછા સમયમાં બનાવવાનું તેમની માટે પડકારજનક સાબિત થવાનું છે.

પીઓપીની મૂર્તિને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને દરિયામાં તેનું વિસર્જન કરવાથી દરિયાઈ સૃષ્ટિને નુકસાન થતું હોવાથી લાંબા સમય અગાઉ જ પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા પોતાના અધિકારનો ઉપયોગ કરીને પીઓપીની મૂર્તિની જ અત્યાર સુધી ગણેશોત્સવમાં સ્થાપના થતી હતી પણ મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડ સહિત મુંબઈ મહાનગરપાલિકાએ ગયા વર્ષે પીઓપીની મૂર્તિ કોઈ પણ હિસાબે ૨૦૨૫ની સાલમાં ચલાવી લેવામાં આવશે નહીં એવી ચેતવણી આપી દીધી હતી. આ દરમ્યાન બોમ્બે હાઈ કોર્ટમાં પીઓપીની મૂર્તિ પર ચાલી રહેલી પિટિશન પણ સોમવારની સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તો તેનો અભ્યાસ કર્યા બાદ જ કોર્ટ નિર્ણય આપશે એવી શક્યતા છે અને ચુકાદા માટે ફરી તારીખ લંબાઈ જવાની શક્યતા છે.

બૃહ્નનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ નરેશ દહિંબાવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિ બાબતે એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ તમામ પાસાનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવાનો હતો, જે તેમણે સબમિટ કરી દીધો હતો. બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા આ રિપોર્ટ હાઈ કોર્ટમાં સબમિટ કરવાનો હતો પણ કોર્ટમાં વેકેશન ચાલી રહ્યું હતું તેથી કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સોમવારે નવ જૂનના કમિટી પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે છે તો સોમવારે જ કોર્ટનો ચુકાદો આવે એવી શક્યતા બહુ ઓછી જણાઈ રહી છે. કોર્ટ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ જ કોઈ ચોક્કસ નિર્ણય લેશે એવું અમારું માનવું છે.

રિપોર્ટ બાબતે વધુ બોલતા દહિંબાવકરે જણાવ્યું હતું કે જો કમિટીએ અભ્યાસ બાદ રિપોર્ટમાં કોઈ અમેન્ટમેન્ડ (ફેરફાર) કર્યા હોય અને પીઓપીની મૂર્તિ બનાવવા માટે શરતોને આધારે મંજૂરી આપી શકાય એવા મુદ્દા રજૂ કર્યા હોય અથવા પીઓપીને બદલે બીજી કોઈ વ્યવસ્થાને બાબતે તેણે માહિતી આપી હોય તો પણ કોર્ટ તેનો અભ્યાસ કર્યા બાદ જ ચુકાદો આપશે એવું અમારું માનવું છે. એટલે જયાં સુધી કોર્ટ કોઈ નિર્ણય લેતી નથી ત્યાં સુધી મૂર્તિકારો અને ગણેશમંડળો અવઢવમાં જ રહેવાના છે. આ દરમ્યાન કોર્ટ જો પીઓપીની તરફેણમાં ચુકાદો નથી આપતી તો નાછૂટકે શાડુ માટીની મૂર્તિ જ વાપરવી પડશે એવા સંજોગોને ધ્યાનમાં રાખીને અનેક ગણેશમંડળોએ શાડુ માટી બનાવતા મૂર્તિકારો સાથે વાતચીત કરી રાખી છે.

કોર્ટના ચુકાદો કમિટીના રિપોર્ટને આધારે હોઈ શકે છે પણ આ વર્ષે ગણેશોત્સવ જલદી હોવાથી ૪૦ ટકાથી વધુ મૂર્તિકારોએ શાડુ માટીની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે પીઓપીની મોટી મૂર્તિ બનાવનારા મૂર્તિકારો હજી પણ કામ ચાલુ કર્યું નથી. તેઓ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો….આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર શાડૂ માટીની જ મૂર્તિઓ હશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button