વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની જનતાને બદલાવ આપીશું: ચેન્નીથલા

મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ રવિવારે એવી માહિતી આપી હતી કે કૉંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે 20 ઑગસ્ટે રાજ્યમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાજરી આપશે.
આ કાર્યક્રમોમાં મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષોના નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજીવ ગાંધીનો જન્મ મુંબઈમાં 20 ઑગસ્ટ, 1944માં થયો હતો.
રાજ્યના નેતાઓ સાથે બેઠક આયોજિત કર્યા બાદ ચેન્નીથલાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોને બદલાવ જોઈએ છે અને લોકસભા ચૂંટણીના પરિણામોમાં તે સ્પષ્ટ થયું છે. મહાવિકાસ આઘાડીને જનતાનો સાથ છે અને અમે ભેગા મળીને જ ચૂંટણીઓ લડીને રાજ્યમાં બદલાવ લાવીશું, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’
આજની બેઠકમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી એમ પણ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષા વર્ષા ગાયકવાડે એવી માહિતી આપી હતી કે ચેન્નીથલા રાજ્યના નેતાઓને મળ્યા હતા અને તેમણે આગામી વિધાનસભા ચૂંટણીના વ્યૂહ અને વિધાનસભાની ચૂંટણીમાં ઉઠાવી શકાય એવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આગામી સાતમી ઑગસ્ટે મહાવિકાસ આઘાડીના નેતાઓની સંયુક્ત બેઠક પહેલાં તેમણે રાજ્યના કૉંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં એનસીપી (એસપી)ના શરદ પવાર, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહેશે.
વર્ષા ગાયકવાડે એમ પણ જણાવ્યું હતું કે તેમણે ઠાકરે સાથે વિપક્ષી ગઠબંધનની બેઠકોની વહેંચણીની દિશામાં આગળ વધવા માટે ચર્ચા કરી હતી. અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એટલું નક્કી છે કે અમે સાથે ચૂંટણી લડીશું.
અહીં ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વર્ષા ગાયકવાડ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, કૉંગ્રેસ વિધાનસભા પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાત, રાજ્ય એકમના અધ્યક્ષ નાના પટોલે અને સિનિયર નેતાઓ નીતિન રાઉત, સતેજ પાટીલ અને નસીમ ખાન પણ હાજર રહ્યા હતા.