એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી? નવી ફોર્મ્યુલા સામે આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિમાં સત્તા સ્થાપવા માટેની ઝડપ વધી છે. મહાયુતિના નેતાઓ દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય પ્રધાનપદનું સસ્પેન્સ હજુ યથાવત હોવાની ચર્ચા છે.
એક તરફ મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. સૂત્રોએ માહિતી આપી છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ બનશે, પરંતુ તેમનો કાર્યકાળ એક વર્ષનો રહેશે.
વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની સફળતાની સુનામી જોવા મળી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ 230થી વધુ સીટો જીતી હતી. જ્યારે મહા વિકાસ આઘાડીએ 46 સીટો પર વિજય મેળવ્યો હતો. મહાવિકાસ આઘાડીની સત્તામાં આવવાની આશા નથી. 230 બેઠકો મેળવીને મહાયુતિ સરકાર બનાવશે તે નિશ્ર્ચિત છે, પરંતુ મહાયુતિની ગાડી સત્તાની વહેંચણી પર અટવાયેલી છે.
આપણ વાંચો: શિંદેના ચહેરાથી મહાયુતિને ફાયદો થયો, અમને ગૃહ મંત્રાલય આપો: શિવસેના
ટીકા બાદ ફડણવીસનો પલટવાર
છેલ્લા કેટલાક દિવસોથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનવા તત્પર હોવાની અને એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ફોર્મ્યુલાની ભારે ચર્ચા થઈ રહી છે. જે બાદ મહાયુતિની નવી ફોર્મ્યુલા હાથમાં આવી છે. મહાયુતિમાં મુખ્યપ્રધાન કોણ હશે અને નાયબ મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હોવાથી વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
આપણ વાંચો: ‘તેઓએ તારીખની જાહેરાત કરી નહોતી…’ મહાયુતિની બેઠક રદ થયા બાદ રાહુલ શેવાળેનું નિવેદન
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ફોર્મ્યુલા મુજબ એકનાથ શિંદે પ્રથમ વર્ષ માટે મુખ્ય પ્રધાન બની શકે છે. તેને ભાજપ તરફથી સમર્થન પણ મળ્યું હોવાના અહેવાલ છે. મહાયુતિએ એકનાથ શિંદેનો ચહેરો સામે રાખીને ચૂંટણી લડી હતી. એકનાથ શિંદે એક વર્ષ માટે મુખ્ય પ્રધાન રહેશે કારણ કે મતદારોએ તેમને મત આપ્યો છે. હવે આ નવી ફોર્મ્યુલા કેટલી સાચી છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.