આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવા ડીજીપીની નિમણૂકમાં ઉતાવળ કેમ? UPSCનો રાજ્ય સરકારને સવાલ

મુંબઈ: મહારાષ્ટ્રના નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની નિમણૂકની દરખાસ્ત પર વિચાર કરી રહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા રાજ્ય સરકાર પાસેથી કેટલીક સ્પષ્ટતાઓ માગવામાં આવી છે. આ ઉપરાંત હાલના રાજ્યના પોલીસ વડાની મુદત પૂરી થયા પૂર્વે નવા ડીજીપીની નિમણૂકની જરૂરિયાત વિશે સવાલ કરવામાં આવ્યો છે. હાલ ડીજીપીની ફરજ બજાવી રહેલા રજનીશ શેઠ 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના છે. ઓક્ટોબરના પ્રારંભમાં રાજ્ય સરકારે રજનીશ શેઠને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

શિવસેના, એનસીપી (અજિત પવાર જૂથ) અને ભાજપ સરકારના સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર વરિષ્ઠ આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા માટે સ્થાન ખાલી કરવા શેઠને એમપીએસસીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. મહા વિકાસ આઘાડી (એમવીએ)ના શાસન દરમિયાન ફોન ટેપિંગના આરોપોને કારણે રશ્મિ શુક્લા વિવાદમાં ઘેરાયા હતા.

આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે નવા ડીજીપીની નિમણૂક કરવાની દરખાસ્ત યુપીએસસીને મોકલી છે. યુપીએસસી ડીજીપીના હોદ્દાને પાત્ર એવા ત્રણ ઓફિસરની પેનલ બનાવશે અને એ રાજ્ય સરકારને મોકલી એમાંથી એકની નિમણૂક કરવા જણાવશે. અલબત્ત યુપીએસસી દ્વારા કેટલાક ખુલાસા માગવામાં આવ્યા છે.

રશ્મિ શુક્લા હાલના ડીજીપી કરતા વરિષ્ઠ છે. હાલ રશ્મિ શુક્લા સશસ્ત્ર સીમા બળના ડીજીપી છે. તેઓ જૂન 2024માં નિવૃત્ત થવાના છે, પણ જો તેઓ ડીજીપી બની જાય તો તેમને નિયત બે વર્ષ માટે કારભાર મળી જાય. સરકારી સૂત્રો અનુસાર ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકાર શુક્લાની નિમણૂક કરે એવી સંભાવના વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button