અજિત પવારની ઓફિસમાં લાવણી ડાન્સના મામલે આટલો રાજકીય ઘોંઘાટ શા માટે?
આમચી મુંબઈ

અજિત પવારની ઓફિસમાં લાવણી ડાન્સના મામલે આટલો રાજકીય ઘોંઘાટ શા માટે?

મુંબઈઃ દેશમાં દિવસની ઓછામાં ઓછી દસ એવી ઘટના બને છે જે દેશ માટે ચિંતાજનક હોય અને સત્તાધારી કે વિપક્ષે તે અંગે અવાજ ઉઠાવવાની જરૂર હોય, ચિંતન કરવાની જરૂર હોય. પરંતુ આડેધડ કોઈપણ મુદે સોશિયલ મીડિયામાં બબાલ કરવાની આદત માત્ર સામાન્ય જનતાને નહીં, રાજકારણીઓને પણ પડી ગઈ છે.

આવું જ કંઈક મહારાષ્ટ્રમાં બન્યું છે. અહીં અજિત પવારની નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ની નાગપુર ખાતેની ઓફિસમાં પક્ષની એક મહિલા પદાધિકારી દ્વારા લાવણી ડાન્સ કરવામાં આવ્યો હતો. આ ડાન્સનો વીડિયો વાયરલ થતાં બબાલ થઈ ગઈ છે.

શરદચંદ્ર પવાર પક્ષના સાંસદ સુપ્રિયા સુળેએ આ ઘટનાને દુઃખદ અને કમનસીબ બતાવી છે. ભાજપ અને શિવસેના (શિંદે) પણ આ ઘટનાથી શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયાનું કહેવાય છે. એનસીપીના અધ્યક્ષ સુનીલ તટકરેએ નાગપુર શહેર અધ્યક્ષને લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે પણ નારાજગી વ્યકત કરી છે.

નાગપુર અધ્યક્ષે શું કહ્યું

નાગપુર પક્ષ અધ્યક્ષ અનીલ અહીરકરે આ મામલે જણાવ્યું હતું કે 26મી ઑક્ટોબરના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દિવાળી નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એક પરિવાર તરીકે બધા સાથે બેઠા હતા અને પક્ષની એક પદાધિકારી લાવણી ડાન્સર હોવાથી તેણે ડાન્સ કર્યો હતો. બીજું કંઈ જ અણછાજતું થયું ન હતું, પરંતુ આ ડાન્સને મીડિયા દ્વારા ખોટી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો હોવાથી વિવાદ જાગ્યો છે.

આટલો ઘોંઘાટ શા માટે

સોશિયલ મીડિયા પર દરેક ઉંમરની મહિલાઓ ડાન્સ કરે છે. લગ્ન સમારંભોમાં દાદી, કાકી, મામી, વેવાણ-વેવાઈથી માંડી બધા ગમે તે ગીતો પર ડાન્સ કરે છે. ગેટ ટુ ગેધર હોય કે ખુશીનો માહોલ હોય ત્યારે આપણે ડાન્સ કરીએ છીએ. કોઈ રાજકીય પક્ષે ક્યારેય સમારોહ કે મોજમસ્તી કરવી જ નહીં તેવો કોઈ નિયમ નથી.

લાવણી મહારાષ્ટ્રની ઓળખ છે અને શિંગાર રસથી નીતરતી નૃત્યશૈલી છે. મહિલાના ડાન્સમાં કે ત્યાં હાજર લોકોના વ્યવહારમાં કોઈ અભદ્રતા દેખાતી નથી. વળી, ત્યાં મહિલા કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં હતી, બધા સાથે મળી આનંદ માણી રહ્યા હતા. એ વાત ખરી કે રાજકીય પક્ષો એક પ્રોટોકોલથી ચાલતા હોય છે. એક પ્રકારનું શિસ્ત જાળવવાનું હોય છે, પરંતુ દર વખતે ધોળા કપડા પહેરીને ચહેરા પર ચિંતા કે દેશદાઝની વાતો કરતા રાજકારણીઓ થોડીક આનંદની કે રાહતની પળો માણે તો આટલો ઘોંઘાટ કરવાની જરૂર નથી.

મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધ અત્યારચારના રોજ નવા બનાવ બને છે. તાજેતરમાં યુવાન ડોક્ટર મહિલાની આત્મહત્યાએ ચકચાર જગાવી છે. પાયાની સુવિધાથી માંડી મહિલા સુરક્ષાના પ્રશ્નો રાજ્યમા ઓછા નથી. દરેક પક્ષમાં એવા વિધાનસભ્યો-સાંસદો છે જેમના પર બળાત્કાર અને મહિલાઓની હત્યા કે અન્ય અત્યાચારના ગુનાઓ નોંધાયા છે.

ઘણીવાર પક્ષના જ નેતા દ્વારા મહિલાઓની પજવણીના કિસ્સાઓ બહાર આવ્યા છે. રાજય કે મુંબઈ શહેર પર પહેલા જેટલું સુરક્ષિત રહ્યું નથી, પરંતુ આ બધાને બાજુએ મૂકી એક મહિલાએ પોતાની ઈચ્છાથી બે ઠુંમકા શું માણ્યા હંગામો ઊભો કરી દેવામાં આવ્યો છે. અગાઉ કહ્યું તેમ નૉન-ઈસ્યુને ઈસ્યુ બનાવવાની ફાવટ રાજકારણીઓને આવી ગઈ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button